કોલકાતા: બહુમાળી ઈમારત સામે વિસ્ફોટ, એક બાળકનું મોત, પાંચ વ્યક્તિ ઘાયલ

કોલકતા- પશ્ચિમ બંગાળના પાટનગર શહેર કોલકાતાના એક વિસ્તારમાં બહુમાળી ઈમારત સામે વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આઠ વર્ષના એક બાળકનું મોત થયું છે, જ્યારે પાંચ અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે. આ માહિતી કોલકાતા પોલીસે આપી હતી.કોલકાતા પોલીસના અધિકારીએ જણાવ્યું કે, વિસ્ફોટની આ ઘટના દમદમ પોલીસ સ્ટેશન વિસ્તારના વ્યસ્ત કાજીપરા એરિયામાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ફ્રૂટની એક દુકાન બહાર થઈ હતી. વધુમાં પોલીસ અધિકારીઓ જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને સરકારી આર.જી. મેડિકલ કોલેજ અને અન્ય હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, જે ઈમારત સામે વિસ્ફોટ થયો છે તે ઈમારતમાં દમદમ નગર નિગમના અધ્યક્ષનું કાર્યાલય પણ આવેલું છે. પોલીસે કહ્યું કે, વિસ્ફોટ અંગે વધુ માહિતી મેળવવા એક ફોરેન્સિક ટીમ અને ડોગ સ્ક્વોડને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

ઈમારતમાં નગર નિગમના જે અધ્યક્ષનું કાર્યાલય આવેલું છે તેમણે વિસ્ફોટ બાદ જણાવ્યું કે, આ વિસ્ફોટ તેમને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો હતો. તેમણે સમાચાર એજન્સીને જણાવ્યું કે, ‘વિસ્ફોટનું આ એક પૂર્વયોજિત કાવરતું હતું. વિસ્ફોટ કરનારા મને અને ટીએમસીના અન્ય કાર્યકર્તાઓને મારવા ઈચ્છતા હતા’. તેમણે એમ પણ કહ્યું કે, આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે.