CJI દીપક મિશ્રાનો અંતિમ ચૂકાદો: પક્ષ દ્વારા થયેલાં કાર્યક્રમથી નુકસાન થયું તો ભરપાઈ પણ કરવી પડશે

નવી દિલ્હી- આંદોલન અને વિરોધ પ્રદર્શન દરમિયાન ભીડ દ્વારા થતાં નુકસાનની ચૂકવણી એ જ રાજકીય દળ અથવા સંગઠને કરવી પડશે જેના આમંત્રણ થકી ભીડ એકઠી થઈ હોય. સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્વના નિર્ણયમાં આ મામલા સંબંધિત વિસ્તૃત દિશાનિર્દેશ જાહેર કર્યા હતાં.નિવૃતિના એક દિવસ પહેલાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા(CJI) દીપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ત્રણ સભ્યોની ખંડપીઠે કેરળના કોડુંગલુર ફિલ્મ સોસાયટીની પીઆઈએલ મામલે આ નિર્ણય લીધો હતો. ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન કરણી સેના દ્વારા કરવામાં આવલી તોડફોડ મામલે આ પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. કોડુંગલૂર ફિલ્મ સોસાયટીએ ટોળામાં શામેલ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી હિંસાને નિયંત્રિત કરવા માટે સુપ્રિમ કોર્ટના 2009ના ચૂકાદા પર સરકારોને જવાબદાર માનવા અંગે કાયદો તૈયાર કરવાનો આગ્રહ કર્યો હતો.

સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો આપતી વખતે જસ્ટિસ ખાનવિલકરે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિને કાયદાનો સ્વ બચાવ અથવા કાયદો હાથમાં લેવા અથવા પોતાની સમજણ દ્વારા હિંસા કરવાનો કોઈ અધિકાર નથી. ખંડપીઠે કહ્યું કે, ભીડની હિંસા ન્યાયિક વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધમાં અને સરકારોની જવાબદારી છે કે, આવા જૂથોની ગેરકાયદેસર હિલચાલથી નાગરિકોને સુરક્ષિત કરે. આ સાથે જ કોર્ટે સરકારો માટે દિશાનિર્દેશ જારી કર્યા હતાં.  એટર્ની જનરલ કેકે વેણુગોપાલે અદાલતને આગ્રહ કર્યો કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અને આવી હરકતો કરનારની જવાબદારી નક્કી કરવા અને નુકસાનની ભરપાઈ કરવા માટે પણ નવા દિશાનિર્દેશ નક્કી કરવામાં આવે.

કોર્ટે આદેશ આપ્યો કે, રાજ્ય સરકારો જિલ્લા સ્તર પર તાત્કાલિક પ્રક્રિયા દળોની રચના કરે જે આવી ભીડ દ્વારા કરવામાં આવતી હિંસાનો ત્વરિત નિકાલ કરવા માટે સક્ષમ હોય. ભીડને રોકવા માટે પાણી,ગેસ અથવા લોકોને નુકસાન ન કરે તેવી ટેકનીકના ઉપયોગ અંગે પણ વિચાર કરવામાં આવે. સરકાર દ્વારા નિમણૂંક કરેલ નોડલ અધિકારી ભીડને કાબુમાં કરવા માટે ઓડિયો-વિડિયોના માધ્યમથી માહિતી મોકલીને અફવાઓને રોકવાનો સંભવિત પ્રયત્ન કરે.

કોર્ટે કહ્યું કે, સંપત્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન થવા પર પ્રદર્શનનો વિરોધ કરનાર સમૂહ કે સંગઠન અથવા કોઈપણ વ્યક્તિની સામે આઈપીસીની કલમ 153(એ), 298 અને 425 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા નુકસાન મામલે 24 કલાકની અંદરમાં સમૂહ કે સંગઠનના નેતા અને અધિકારી સંબંધિત પોલીસ સ્ટેશનમાં હાજર થઈન પુછતાછમાં સહયોગ આપવો પડશે. જાન માલની નુકસાની થવા પર તેમાં શામિલ અથવા ભડકાવનાર ધરપકડ કરેલ વ્યક્તિને દંડની ચૂકવણી બાદ જામીન પર છોડી શકાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]