સિયાચીનમાં હિમસ્ખલન: બરફમાં ફસાવાથી 4 જવાન સહિત 6ના મોત

શ્રીનગરઃ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર કહેવાતા સિયાચીન ગ્લેશિયરમાં થયેલા હિમસ્ખલનમાં ભારતીય જવાનો સહિત કેટલાક લોકો ફસાયા છે. આ હિમસ્ખલનમાં આઠ સૈનિકો ફસાયા હતા. ત્યારબાદ આનન ફાનન રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું  પણ બરફમાં ફસાયેલા આ જવાનોમાંથી ચાર જવાનો શહિદ થઈ ગયા અને બે પોર્ટરનું નિધન થયું.

મળતા અહેવાલો પ્રમાણે આ કપરા વિસ્તારમાં સોમવારે બપોરે હિમસ્ખલન થયું હતું જેમાં સિયાચીન ગ્લેશિયર વિસ્તારના ઉત્તરી સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાનો ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસની ચોકીઓના જવાનો તેમને બચાવવા પહોંચ્યા, ત્યારબાદ આ તમામ 8 જવાનોને બરફના ઢગલા નીચેથી કાઢવામાં આવ્યા. હકીકતમાં આમાંથી 7 જવાનો ખરાબ રીતે જખ્મી થયા હતા, જેને મેડિકલ ટીમની હાજરીમાં હેલિકોપ્ટર્સ મારફતે નજીકના મિલિટ્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી પણ આમાંથી 6ના મોત થઈ ગયા. જેમનું મૃત્યું થયું તેમાં 4 જવાન અને બે પોર્ટર સામેલ હતાં. આ લોકોના મોત ભીષણ હાયપોથર્મિયાને કારણે થયાં.

સૈન્ય સૂત્રોના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સિયાચીનમાં ભયાનક હિમસ્ખલન થયું હતું અને ભારતીય સેનાના આઠ જવાનો તેમાં ફસાઈ ગયા હતા. આ હિમસ્ખલનની જાણ થયા બાદ સેનાએ ત્યાં જવાનોની શોધ માટે એક મોટુ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું.

નોંધનીય છે કે સિયાચીનમાં ફરજ બજાવી રહેલા જવાનોને અત્યંત કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. 18,000 ફૂટની ઊંચાઈ સ્થિત સિયાચીન ગ્લેશિયરમાં સૈનિકોને ફોસ્ટબાઈટ અને અત્યંત ઝડપથી ફૂંકાતા પવનોનો સામનો કરવો પડે છે. ગ્લેશિયરમાં ઠંડીની સિઝનમાં હિમસ્ખલનની ઘટના સામાન્ય છે. આ ઉપરાંત તાપમાન શૂન્યથી 60 ડિગ્રી નીચે સુધી જતું રહે છે.