સીતારામન નોટો પર ગાંધીજીને બદલે મોદીનો ફોટો છાપી શકેઃ KTR

હૈદરાબાદઃ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના કાર્યકારી અધ્યક્ષ અને રાજ્યપ્રધાન કેટી રામા રાવે કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ગુજરાતના અમદાવાદમાં એક મેડિકલ કોલેજનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામે રાખવા પર નાણાપ્રધાન નિર્મલા સીતારામનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નાણાપ્રધાન રિઝર્વ બેન્કને આદેશ આપીને નવી બેન્ક નોટ છપાવડાવી શકે છે અને નોટો પર મહાત્મા ગાંધીનો ફોટો દૂર કરીને વડા પ્રધાન મોદીનો ફોટો છાપી શકે છે.

તેમણે ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે અમદાવાદની એલજી મેડિકલ કોલેજનું નામ બદલીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર રાખવામાં આવ્યું છે. આ પહેલાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું હતું.

આ પહેલાં TRSના નેતા કેટી રામા રાવે ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવર દાસને પણ એક મામલે પ્રતિક્રિયા આપી હતી. રઘુવર દાસે કહ્યું હતું કે જો તેલંગાણામાં ભાજપ સત્તા પર આવશો તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેવામાં આવશે. એના પર ટિપ્પણી કરતાં કેટીઆરે કહ્યું હતું કે તમે પહેલાં અમદાવાદનું નામ બદલીને અદાનીબાદ કેમ નથી કરી દેતા? આ પહેલાં પણ રાવ ભાજપને આડે હાથ લઈ ચૂક્યા છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપ વધતી કિંમતોથી લોકોનું ધ્યાન હટે એ માટે ધ્રુવીકરણ કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારનું કામ જનતાને શિક્ષણ, સ્વાસ્થ્ય, સારા રસ્તા, કાયદો-વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનું છે, પણ તેઓ એની પ્રાથમિકતા નથી આપતા.