ગુજરાત સાયન્સ સિટીમાં ઓઝોન દિવસની ઉજવણી

અમદાવાદઃ  ઓઝોન સ્તર એ પૃથ્વી ગ્રહની આસપાસ એક અદ્રશ્ય રક્ષણાત્મક કવચ છે, જે સૂર્યનાં હાનિકારક યુવી કિરણોને શોષી લે છે. જો ઓઝોનનું સ્તર ન હોય તો યુવી કિરણોથી વનસ્પતિ, પાક, પ્રાણીઓ અને ઇકો સિસ્ટમને નુકસાન થશે, ચામડીના કેન્સર અને આંખમાં  મોતિયા  જેવા રોગો વધશે. જો ઓઝોનનું કવચ ના રહે તો પૃથ્વી પર જીવન શક્ય નથી. ગુજરાત સાયન્સ સિટીએ ઓઝોન દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે માનવીના કદ જેટલી સાપ અને સીડીની મનોરંજક ઓઝોન રમતનું આયોજન કર્યું હતું.

આ રમતમાં વિદ્યાર્થીઓ ઉત્સાહથી જોડાયા હતા અને રમત થકી ઓઝોનનું મહત્ત્વ અને તેનું આવરણ પાતળું થવા માટે જવાબદાર પરિબળો વિષે જાણ્યું હતું. આ ગેમ ખાસ કરીને ઓઝોન સ્તરના મહત્ત્વ, તેને નષ્ટ કરતાં પરિબળો અને તેમાં પડતાં ગાબડાંથી પૃથ્વીના જીવન પર થતી પ્રતિકૂળ અસર વિશે જાગૃતિ લાવવા માટે બનાવવામાં આવી છે. 

ઓઝોન દિવસની ઉજવણીની આ વર્ષ  થીમ ‘ પૃથ્વી પર જીવનની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ‘ Global Cooperation Protecting Life on Earth’ છે.

35 વર્ષ પહેલાં આ વિષય સાથે વિશ્વ એકસાથે આવ્યું હતું. પૃથ્વીની જાળવણીની જવાબદારીના સંદર્ભમાં જ સાયન્સ સિટી દ્વારા 16 સપ્ટેમ્બર, 2022એ વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત સાયન્સ સિટી જનસમુદાયને વિજ્ઞાન સાથે જોડતું લોકપ્રિય સ્થળ છે. નવાં આકર્ષણો સાથે ફરી ખૂલ્યું ત્યારથી મુલાકાતીઓનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો છે. મુલાકાતીઓને મનોરંજન સાથે વિજ્ઞાનથી જોડી પૃથ્વી પર સહુ માટે વધુ સારા જીવન માટે જાગ્રત અને જવાબદાર બને એ માટે સાયન્સ સિટી દ્વારા વિવિધ મહત્ત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે.