મુંબઈ- 2019 લોકસભાની ચૂંટણી પહેલા પોતાના સાથી પક્ષોને સાધવામાં લાગેલી ભારતીય જનતા પાર્ટીને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ‘સંપર્ક ફોર સમર્થન’ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે મુંબઈમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. જોકે મુલાકાતના બીજા જ દિવસે શિવસેના નેતા સંજય રાઉત તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 2019ની લોકસભા ચૂંટણી શિવસેના એકલા હાથે જ લડશે.સંજય રાઉતે જણાવ્યું કે, ‘અમે અમિત શાહજીનો એજન્ડા જાણીએ છીએ પરંતુ શિવસેનાએ પહેલા જ ઠરાવ પસાર કર્યો છે. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, વર્ષ 2019માં શિવસેના લોકસભાની ચૂંટણી એકલા હાથે જ લડશે. અમારા પ્રસ્તાવમાં કોઈ ફેરફાર થશે નહીં’.
આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં પાલઘર પેટા ચૂંટણીને લઈને શિવસેના અને ભાજપમાં મતભેદ થયા હતા. ત્યારબાદથી અન્ય કેટલાંક મુદ્દે પણ ગઠબંધનમાં અંતર વધ્યું છે. જેને દુર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ મુંબઈ પહોંચ્યા હતા અને ‘માતોશ્રી’ જઈને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી સમયમાં બન્ને નેતાઓ વચ્ચે હજી કેટલીક મુલાકાતો યોજાઈ શકે છે. જોકે બુધવારની મુલાકાત પહેલાં પણ શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’માં જણાવ્યું હતું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના એકલી જ મેદાનમાં ઉતરશે.