કોંગ્રેસ નેતાના નિવેદનથી ખળભળાટ: કહ્યું ‘નહેરુ-ઈન્દિરાએ દેશ સાથે છેતરપિંડી કરી

જયપુર- ભારતીય જનતા પાર્ટી જો નેહરુ-ગાંધી પરિવાર પર પ્રશ્ન ઉઠાવે તો તેને રાજકારણથી પ્રેરિત આક્ષેપ કહી શકાય. પરંતુ જો કોંગ્રેસનો કોઈ નેતા અને તેમાં પણ પૂર્વ પ્રધાન આ પ્રકારનું નિવેદન આપે તો? હાલમાં રાજસ્થાનના પૂર્વ પ્રધાન ભરોસીલાલ જાટવનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીની નિંદા કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ભરોસીલાલ જાટવ અશોક ગહલોત સરકારમાં કૃષિ રાજ્યપ્રધાન તરીકે પદ પર હતા.મળતી માહિતી મુજબ ગત 27 મેના રોજ રાજસ્થાનના કરૌલીમાં જવાહરલાલ નેહરુની પુણ્યતિથિના દિવસે પૂર્વ પ્રધાન ભરોસી લાલ જાટવે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. જોકે સમગ્ર મામલાએ ગંભીર રુપ લેતા ભરોસીલાલે પોતાના બચાવમાં કહ્યું કે, આ વીડિયો ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. અમે મારી વાતને ખોટીરીતે રજૂ કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે, હાલમાં ભરોસીલાલ જાટવનો આ વીડિઓ સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેણે રાજકીય વર્તૂળોમાં ખાસી ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં પૂર્વ પ્રધાન એવું કહેતા જણાઈ રહ્યાં છે કે, દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીએ દેશની સ્વાતંત્ર્યતાના નામ પર એક આંગળી પણ નથી કપાવી. તેમણે દેશ સાથે છેતરપિંડી કરી છે.

જ્યારે આ વાયરલ વીડિઓ વિશે પૂર્વ પ્રધાન ભરોસીલાલ જાટવને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ ઘટનાને વિરોધીઓનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. જાટવના જણાવ્યા મુજબ તેમણે ગત 27 મેના રોજ જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ નિમિત્તે ભાષણ આપ્યું હતું. જેમાં નેહરુ અને ઈન્દિરા ગાંધીને યાદ કરીને તેમણે આઝાદી માટે આપેલા બલિદાનને યાદ કર્યા હોવાનું જણાવ્યું હતું. જાટવે કહ્યું કે, તેઓ કોંગ્રેસ પક્ષના વફાદાર સિપાહી છે. જેથી વિરોધીઓ તેમના વિરુદ્ધ ષડયંત્ર રચી તેને બદનામ કરી રહ્યાં છે.