સહિષ્ણુતા એ જ આપણા દેશની સાચી ઓળખ છેઃ પ્રણવ મુખરજી

નાગપુર – ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પીઢ કોંગ્રેસી નેતા પ્રણવ મુખરજીએ આજે અહીં ચેતવણી ઉચ્ચારી હતી કે જો ભારતને ધર્મ કે અસહિષ્ણુતા દ્વારા ચિતરવાનો કોઈ પણ પ્રયાસ કરાશે તો એનાથી દેશના અસ્તિત્વ સામે ખતરો પેદા થશે.

મુખરજીએ અહીં રેશમ બાગ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થાના દીક્ષાંત સમારોહમાં પોતાના સંબોધનમાં જણાવ્યું કે, હું આજે આપની સમક્ષ દેશભક્તિ વિશે વાત કરવા આવ્યો છું. એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક બંધારણ જ આપણા દેશની સાચી ઓળખ છે. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે રાષ્ટ્રવાદી હિંસક અને વિધ્વંસક હોવો ન જોઈએ. આપણા દેશના બંધારણનો પાયો વિવિધતામાં એકતાનો છે.

મુખરજીએ વધુમાં કહ્યું કે સરકારે ગરીબી સામે લડવું જોઈએ. સરકાર જ દેશના લોકોની જિંદગી બદલી શકે છે. વિવિધતા અને સહિષ્ણુતા આપણા દેશની ઓળખ રહી છે. ધર્મનિરપેક્ષતા આપણા માટે આસ્થાનું કામ કરે છે. સૌએ કહ્યું છે કે હિન્દુ ધર્મ ઉદાર છે. 1800 વર્ષો સુધી ભારત શિક્ષણનું કેન્દ્ર રહ્યું.

તે પહેલાં આરએસએસના વડા મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આપણે સૌ એક છીએ. કોઈકને આ વાત એકદમ સમજાઈ જાય છે, પણ કેટલાકને કંઈ જ સમજાતું નથી. જ્યારે દેશનો સામાન્ય સમાજ તમામ સ્વાર્થ અને ભેદભાવને દૂર કરીને દેશ માટે બલિદાન આપવા માટે તૈયાર થાય છે ત્યારે દેશનું ભાગ્ય બદલાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]