કોરોના સંકટ વચ્ચે મધ્ય પ્રદેશમાં ચૌહાણના પ્રધાનમંડળનું વિસ્તરણ

ભોપાલઃ કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આજે એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. ચોથી વાર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાના એક મહિના બાદ ચૌહાણના પ્રધાનમંડળના અન્ય પાંચ સભ્યોએ આજે શપથ ગ્રહણ કર્યા હતા.

કોંગ્રેસની આગેવાની હેઠળની કમલનાથ સરકારનું રાજ્યમાં પતન થયા બાદ ચૌહાણે ફરી એમની સરકાર બનાવી છે.

આજે ભાજપના જે વિધાનસભ્યોએ ચૌહાણની કેબિનેટના સભ્યો તરીકે શપથ લીધા એમના નામ છેઃ નરોત્તમ મિશ્રા, કમલ પટેલ, મીના સિંહ, તુલસી સિલાવટ અને અને ગોવિંદસિંહ રાજપૂત.

ચોહાણે ગઈ 23 માર્ચે કોરોના વાઈરસના ફેલાવા વચ્ચે મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે કેબિનેટનું વિસ્તરણ કરી શકાયું નહોતું.

મધ્ય પ્રદેશમાં કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે તે છતાં ચૌહાણની સરકાર ગેરહાજર છે એવી વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા ટીકા કરવામાં આવી હતી.

સિનિયર કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલ અને વિવેક તાંખાએ ગઈ કાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લેખિતમાં ફરિયાદ કરી હતી અને એવી દલીલ કરી હતી કે ચૌહાણ સરકાર તેના હારના સ્વરૂપમાં ગેરબંધારણીય છે.

ભાજપમાં જોડાઈ ગયેલા કોંગ્રેસના સિનિયર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના છ વફાદારોને ચૌહાણ કેબિનેટમાં સમાવવાનું ભાજપ પર દબાણ છે. આ તમામ છ નેતા અગાઉ કમલનાથની સરકારમાં પ્રધાન હતા. આ છ ઉપરાંત કોંગ્રેસના બીજા 16 વિધાનસભ્યોએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે કમલનાથની સરકારનું પતન થયું હતું.