શિવસેના UBTએ મંત્રી સહિત પાંચ નેતાઓને પાર્ટીમાંથી કાઢ્યા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ભૂતપૂર્વ CM ઉદ્ધવ ઠાકરેએ બળવાખોર નેતાઓ સામે આકરાં પગલાં લીધાં છે. તેમણે શિવસેના (UBT) જૂથમાંથી પાંચ બળવાખોર નેતાઓને કાઢી મૂક્યા છે. આ નેતાઓ પોતાની પાર્ટી અને ગઠબંધનના ઉમેદવારો સામે ઊભા હતા.

 પાર્ટી દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ ઉમેદવારી પાછી ખેંચી નહીં લે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.ઉદ્ધવ ઠાકરે દ્વારા જે નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે તેમાં ભિવંડી-પૂર્વના ધારાસભ્ય રૂપેશ મ્હાત્રે, વિશ્વાસ નાંદેકર, ચંદ્રકાંત ઘુગુલ, સંજય અવારી અને પ્રસાદ ઠાકરેનો સમાવેશ થાય છે. સોમવારે મહારાષ્ટ્ર ચૂંટણી માટે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો.

ઉદ્ધવ ઠાકરેએ તેમને નામાંકન પાછું ખેંચવા માટે અલ્ટિમેટમ પણ આપ્યું હતું. જોકે આ પછી પણ આ નેતાઓએ ઉમેદવારી પાછી ખેંચી ન હતી. મહાવિકાસ અઘાડી તરફથી કુલ 14 બળવાખોર ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે પોતાના સાત બળવાખોર નેતાઓને મનાવી લીધા. તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું.

MVA એટલે કે મહાવિકાસ આઘાડી અને મહાયુતિ ગઠબંધનના નેતાઓ નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ સુધી બળવાખોર ઉમેદવારોને મનાવવામાં વ્યસ્ત હતા. મુંબઈના બોરીવલીથી ગોપાલ શેટ્ટી અને અંધેરી ઈસ્ટથી સ્વકૃતિ શર્માએ નામાંકન પાછું ખેંચ્યું છે. જોકે માહિમ સીટના વર્તમાન ધારાસભ્ય અને શિંદે સેનાના ઉમેદવાર સદા સરવણકરે પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કર્યો હતો.

MNS તરફથી રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે આ સીટ પરથી પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય UBT સેના તરફથી મહેશ સાવંત માહિમ બેઠક પરથી મેદાનમાં ઊતર્યા છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.