શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે, તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પોતાની વાત તેમની સમક્ષ રજૂ કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર, શાહીનબાગની તમામ મહિલા પ્રદર્શનકારી બપોરે 2 વાગ્યે પોતાની માંગો સાથે ગૃહમંત્રીના અધિકારીક આવાસ પર મુલાકાત કરવા માટે જશે. શાહીનબાગના પ્રદર્શનકારીઓની પ્રાથમિક માંગ નાગરિકતા સંશોધન કાયદાને પાછો લેવાની જણાવવામાં આવી છે. જો કે, ગૃહમંત્રી કાર્યાલયના સુત્રોનું કહેવું છે કે, તેમને આ પ્રકારની કોઈ મુલાકાત માટે પ્રદર્શનકારીઓ તરફથી હજી કોઈ અરજી મળી નથી. ઉલ્લેખનીય છે કે, શાહીનબાગમાં ડિસેમ્બરથી જ ધરણા પર બેસેલી મહિલાઓ સીએએ સાથે જ એનઆરસી અને એનપીઆરનો પણ વિરોધ કરી રહી છે. આ પ્રદર્શનને 60 દિવસથી પણ વધારેનો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી.

મીડિયા રિપોર્ટ મુજબ શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓએ કહ્યું કે અમે અમારી માંગ સાથે ગૃહમંત્રી સાથે મુલાકાત કરવા જઈશું. અમે કાલે બપોરે 2 વાગે અમિત શાહને મળવા જઈશું અને અમારી માંગો રજૂ કરીશું. રિપોર્ટ પ્રમાણે અમિત શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ત્રણ દિવસમાં CAAને લઈ કોઈ પણ આવીને તેમની સાથે મુલાકાત કરી શકે છે. શાહે કહ્યું હતું કે કોઈને પણ CAAને લઈ આપત્તિ છે તો તેમની સાથે વાત કરવા માટે તેઓ તૈયાર છે. આ સાથે મહિલા પ્રદર્શનકારીઓએ પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી હતી.