ફાંસીની-સજા પામનાર ઉ.પ્ર.ની શબનમ દેશની પહેલી મહિલાકેદી

મથુરાઃ આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી જ વાર એક મહિલાને ફાંસીની સજા આપવામાં આવનાર છે. આ મહિલા છે મથુરાનિવાસી શબનમ, જેણે 2008ની 14 એપ્રિલે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના ગામમાં એનાં પરિવારનાં સાત સભ્યોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. એને મથુરાની જિલ્લા જેલમાં ફાંસી આપવામાં આવશે, પણ એની તારીખ હજી જાહેર કરાઈ નથી.

Image courtesy: The Asian Read

શબનમે એનાં આશિક સલીમ સાથે મળીને અધમ કૃત્ય આચર્યું હતું. બાદમાં એની પર ખટલો ચલાવવામાં આવ્યો હતો અને તમામ અદાલતોએ એને ફાંસીની સજા ફરમાવી છે. સુપ્રીમ કોર્ટે પણ એની ફાંસીની સજાને કાયમ રાખી હતી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ એની દયાની અરજી નકારી કાઢી છે. એને મથુરાની જેલમાં બાંધવામાં આવેલા મહિલા ફાંસીગૃહમાં ફાંસીના માચડે ચડાવવામાં આવશે. નિર્ભયા ગેંગરેપ-હત્યા કેસમાં અપરાધીઓને ફાંસી આપનાર મેરઠનિવાસી જલ્લાદ પવન શબનમ અને સલીમ, બંનેને ફાંસી આપશે. ગુનો આચર્યો હતો ત્યારે શબનમ સલીમથી ગર્ભવતી થઈ હતી. બાદમાં એણે પુત્રને જન્મ આપ્યો હતો જે આજે 12 વર્ષનો થયો છે. એનું નામ તાજ છે. એણે રાષ્ટ્રપતિ કોવિંદને અપીલ કરી છે કે તેઓ એની માતાની દયાની અરજી પર ફેરવિચારણા કરે અને એને માફ કરી દે.