ખેડૂતોના રેલરોકો-આંદોલનની નજીવી અસરઃ રેલવે તંત્રનો દાવો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ગયા વર્ષે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં 84 દિવસોથી દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે બપોરે 12 વાગ્યાથી 4 કલાક સુધી રેલરોકો આંદોલન કર્યું હતું. રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ આંદોલનથી દેશભરમાં ટ્રેનસેવાઓ પર નજીવી કે મામુલી અસર પડી હતી. આંદોલન કોઈ પ્રકારના અનિચ્છનીય બનાવ વિના સમાપ્ત થયું હતું.

રેલવે મંત્રાલયના પ્રવક્તા ડી.જે. નારાયણે કહ્યું કે તમામ ઝોનમાં ટ્રેન સેવા હવે રાબેતા મુજબની છે. આંદોલનકારીઓ દ્વારા ટ્રેનો રોકવાનો એક પણ બનાવ મોટા ભાગના ઝોનમાં નોંધાયો નથી. અમુક ઝોનલ રેલવેના અમુક વિસ્તારોમાં જૂજ ટ્રેનોને રોકવામાં આવી હતી, પરંતુ હવે ટ્રેન સેવા રાબેતા મુજબ થઈ ગઈ છે. રેલવે વહીવટીતંત્રએ આ આંદોલનને ધ્યાનમાં રાખીને દેશભરમાં આર.પી.એસ.એફ.ની 20 અધિક ટૂકડીઓને તૈનાત કરી દીધી હતી.

બિહારમાં, પટના, અરાહ, રોહતાસ અને બિહારશરીફ રેલવે સ્ટેશનો ખાતે દેખાવકારોએ ટ્રેનો અટકાવી હોવાનો અહેવાલ હતો. રાજસ્થાનમાં પણ અમુક ભાગોમાં રેલ રોકોની અસર જોવા મળી હતી. ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં ખેડૂતોએ રેલવે પાટા પર અવરોધ મૂક્યા હતા. રેલરોકો આંદોલનનું એલાન સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું જે તમામ ખેડૂત સંગઠનોનું સંયુક્ત સંગઠન છે.

Image courtesy: Wikimedia Commons, PixaHive.com