મુંબઈઃ અહીંના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે કમ્પ્યુટર સિસ્ટમમાં બગાડો થયો હતો. એને કારણે તમામ એરલાઈન્સ માટેની ચેક-ઈન કામગીરીને માઠી અસર પહોંચી હતી. તમામ ફ્લાઈટ્સ મોડી પડી હતી. એરપોર્ટ પર ચેક-ઈન માટે લોકોની લાંબી લાઈન લાગી હતી.
એરપોર્ટ સંચાલક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સમસ્યાને દૂર કરવામાં આવી રહી છે. કામગીરીઓ ટૂંક સમયમાં જ ફરી શરૂ થશે.
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ તરફથી જાણકારી આપવામાં આવી છે કે એરપોર્ટ પર સર્વર ડાઉન થતાં સિસ્ટમ્સ ખોરવાઈ ગઈ છે. લોકોની ભીડ સામાન્ય કરતાં થોડીક વધારે છે, પણ કોઈ પ્રકારની અંધાધૂંધી નથી.
આ ખામી બદલ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રા. લિમિટેડ દ્વારા પણ પ્રવાસીઓને થયેલી અગવડતા બદલ એક નિવેદન બહાર પાડીને ખેદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મોડી સાંજે લગભગ 8 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર તમામ સિસ્ટમ અને સેવાઓ ફરી શરૂ થઈ હતી.