પુણેઃ કોરોના-પ્રતિબંધાત્મક રસી ‘કોવિશીલ્ડ’ની ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે તે ખાનગી હોસ્પિટલોને આ રસી પ્રતિ ડોઝ રૂ. 600ની કિંમતે વેચશે જ્યારે રાજ્ય સરકારોને પ્રતિ ડોઝ રૂ. 400ની કિંમતે વેચશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દેશમાં કોરોના-વિરોધી રસીકરણ ઝુંબેશને વેગ આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને તે આવકારે છે. રાજ્ય સરકારો, ખાનગી હોસ્પિટલો અને વેક્સિનેશન કેન્દ્રોને સીધા ઉત્પાદકો પાસેથી જ કોરોના-વિરોધી રસી મેળવવાની પરવાનગી અપાતાં રસીકરણ ઝુંબેશને જોર પકડશે. આવતા બે મહિનામાં જ કંપની કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન વધારશે. 50 ટકા રસી કેન્દ્ર સરકારને તેના દેશવ્યાપી રસીકરણ કાર્યક્રમ માટે રૂ. 150માં આપવામાં આવે છે જ્યારે બાકીની 50 ટકા રસી રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલોને આપવામાં આવશે.