નવી દિલ્હીઃ આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજવાની છે, પણ એ પહેલાં આ મહિને દેશનાં પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણી સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસના નેતૃત્વ INDIA એલાયન્સની વચ્ચે એક પ્રકારે સેમી ફાઇનલ મેચની જેમ જોવામાં આવી રહી છે.
ત્રણ રાજ્યો- છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં બંને પક્ષો વચ્ચે સીધો મુકાબલો છે, જ્યારે તેલંગાણા અને મિઝોરમમાં કોંગ્રેસની સામે સત્તારૂઢ ક્ષેત્રીય પક્ષો છે. જો ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે તો એને ભાજપની સામે સારો રાજકીય લાભ મળશે. વડા પ્રધાન મોદી માટે કોંગ્રેસમુક્ત ભારતના પોતાના વચનને પૂરું કરવાની પરીક્ષા છે.
પાંચ વર્ષ પહેલાં પાછલી ચૂંટણીમાં કોંગ્રેસ તેલંગાણા ને મિઝોરમમાં ખરાબ રીતે હારી ગઈ હતી, જ્યારે છત્તીસગઢ, મધ્ય પ્રદેસ ને રાજસ્થાનમાં પાર્ટીને લાભ થયો હતો અને ભાજપને સત્તાથી બેદખલ કર્યો હતો. જોકે ભાજપે એક વર્ષ પછી કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાને પક્ષમાં લઈને મધ્ય પ્રદેશમાં ફરીથી સત્તા પલટી હતી.
રાજસ્થાનમાં કોંગ્રેસના CM અશોક ગહેલોતને સત્તાવિરોધી અને નારાજ પ્રતિદ્વન્દ્વી સચિન પાઇલટની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને પક્ષોમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં આંતરિક કલહ સપાટી પર આવ્યા છે. ત્રણે રાજ્યોમાં ભાજપ ચૂંટણીપ્રચારમાં વડા પ્રધાન મોદીને નામે મત માગી રહ્યો છે, જ્યારે કોંગ્રેસે તેના CM ઉમેદવારો પસંદ કરી લીધા છે.
હવે રસપ્રદ બાબત એ છે કે ભાજપ અને કોંગ્રેસની વચ્ચે આ સત્તાની સેમી ફાઇનલમાં કોણ બાજી મારી જાય છે.