સીમા હૈદરને પાકિસ્તાનની બોર્ડર પર ફેંકી આવીશું: કરણી સેના

નવી દિલ્હીઃ સીમા હૈદર અને સચિન મીણાથી UP ATS પૂછપરછ કરી રહી છે. અનેક વાતોનો ખુલાસો થઈ રહ્યો છે. સીમાના પતિ ગુલામ હૈદરે ખુલાસો કર્યો છે કે સીમાના કાકા અને ભાઈ પાકિસ્તાન સેનામાં તહેનાત છે. તેના કાકા ગુલામ અકબર પાકિસ્તાની સેનામાં અધિકારી છે. તેમનું પોસ્ટિંગ ઇસ્લામાબાદમાં છે, જ્યારે આસિફ સેનામાં સૈનિક છે અને કરાચીમાં પોસ્ટેડ છે. સોશિયલ મિડિયામાં સીમા હૈદરની ચોરને ચોટે ચર્ચા થઈ રહી છે. તેના વિડિયો ખૂબ વાઇરલ થઈ રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે તે પાકિસ્તાની જાસૂસ છે. સુરક્ષા એજન્સીઓની એની દરેક હિલચાલ પર નજર છે.

બીજી બાજુ કરણી સેના સીમા હૈદરને લઈને ગુસ્સામાં છે. કરણી સેનાએ ધમકી આપી છે કે જો સીમા હૈદરની વિરુદ્ધ કોઈ પગલાં નહીં લેવામાં આવે તો તેને પાકિસ્તાનની બોર્ડર પર ફેંકી આવીશું. કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકેશ સિંહ રાવલે કહ્યું હતું કે ભારત કોઈ અનાથાલાય નથી, જ્યાં કોઈ પણ પોતાના મનથી ચાલ્યું આવે અને રહેવા લાગે. તેમનું કહેવું છે કે સીમા પાકિસ્તાની એજન્ટ છે અને જે રીતે તે ભારતમાં આવી છે એ શંકાસ્પદ છે. ભારતમાં ઘૂસતા સમયે તેની કોઈ તપાસ નહોતી કરવામાં આવી?

આવી વ્યક્તિને હું આતંકવાદી કહીશ. તેના શરીરમાં કોઈ ચિપ હોઈ શકે, જેથી એના શરીરને સ્કેન કરવામાં આવવું જોઈએ. પાકિસ્તાન સાથે ભારતના સંબંધો સારા નથી. અમે એને બિલકુલ સહન નહીં કરીએ. 15 ઓગસ્ટ આવવાની છે. આ કોઈ પાકિસ્તાનનું ષડયંત્ર પણ હોઈ શકે. જો સીમા હૈદરની સામે કોઈ પગલાં નહીં લેવાય તો અમે તેને પાકિસ્તાનની બોર્ડર પર ફેંકી આવીશું.