નોએડા (ઉત્તર પ્રદેશ): સીમા હૈદર નામની કથિત પાકિસ્તાની મુસ્લિમ ગૃહિણી અને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોએડાના હિન્દૂ યુવક સચીન મીણા વચ્ચે પબ્જી મોબાઈલ ગેમ પરથી શરૂ થયેલા પ્રેમપ્રકરણે એક નવો વળાંક લીધો છે. અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ યુગલ છેલ્લા 24 કલાકથી લાપતા છે. યુગલ સાથે એમના પરિવારજનોનો કોઈ સંપર્ક નથી. સીમા પાકિસ્તાનમાં એનાં પતિ ગુલામ હૈદરને તલાક આપ્યાં વગર સરહદ ગુપચુપ રીતે ઓળંગીને નેપાળ માર્ગે ભારતમાં પ્રવેશી છે. તેણે અને સચીન મીણાએ દાવો કર્યો છે કે બંને જણ પતિ-પત્ની છે. સીમાને ગુલામ હૈદરથી ચાર બાળકો થયાં છે. એ ચારેય બાળકોને લઈને ભારત આવી છે. તે નોએડામાં સચીનની સાથે રહેતી હતી. પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે આ દંપતી છેલ્લા લગભગ બે દિવસથી એમનાં ઘરમાં નથી.
સીમા હૈદર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈની જાસૂસ હોવાની ચર્ચા સોશિયલ મિડિયા પર શરૂ થયા બાદ ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) દ્વારા સીમાનાં ભારતમાં શંકાસ્પદ પ્રવેશ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એટીએસના અમલદારો આ પ્રકરણમાં આઈએસઆઈ દ્વારા હનીટ્રેપના એંગલની પણ તપાસ કરી રહ્યા છે.
