સોશિયલ મિડિયામાં Likesનો જીવલેણ ક્રેઝઃ આઠનાં મોત

અમદાવાદઃ સોશિયલ મિડિયા પર લાઇક્સની ભૂખ હવે જીવલેણ થતી જઈ રહી છે. લોકો ફોલોઅર્સ વધારવા માટે જીવ દાવ પર લગાવી રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં લાપરવાહીથી એવી ચાર ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં આઠ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે.

સોશિયલ મિડિયા પર ક્રેઝ એટલો છે કે માત્ર યુવા જ નહીં બલકે મોટી વયના લોકો પણ બેદરકારી દાખવી રહ્યા છે. મુંબઈમાં આવી એક ઘટના સામે આવી છે, જેમાં બે બાળકોનાં માતામિતા સમુદ્રના કિનારે ફોટો ખેંચાવા માટે જોખમી ઝોનમાં ચાલ્યા ગયા હતા. એ દરમ્યાન એક મોટામાં મોજામાં બંને સમુદ્રમાં વહેવા લાગ્યા હતા. મહિલાના પતિનો જીવ તો કોઈક પ્રકારે બચી ગયો છે, પણ આ દુર્ઘટનામાં મહિલાનું મોત થયું છે.

UPના ઇટાવા મોસાળમાં આવેલા બે યુવકો નદીમાં ડૂબી ગયા, એમાંથી એકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે બીજાની શોધખોળ જારી છે. બંને જણ સિંગર નદીમાં ઊતરીને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા હતા. તેમના મામા શમી ખાને જણાવ્યું હતું કે મોટા રેહાનની વય 17 વર્ષની હતી, જ્યારે ચાંદની વય 13 વર્ષની હતી.

કાનપુરમાં અંશ નામનો યુવક ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં પાંડુ નદીના વહેણમાં ગરકાવ થઈ ગયો હતો, તેના ચાર સાથીઓ માત્ર બૂમો પાડતા રહ્યા. તેના સાથી સક્ષમે જણાવ્યું હતું કે અંશને તરતા આવડતું હતું, પરંતુ નદીમાં કૂદ્યા પછી તે લાપતા થયો હતો.

સેલ્ફીના ચક્કરમાં ચાર જણનાં મોત

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં સેલ્ફી લેવાના ચક્કરમાં ચાર યુવકો તળાવમાં ડૂબતાં મોત થયાં હતાં આ ઘટના ચંદ્રપુર જિલ્લાના ઘોડાઝારી તળાવની છે.