બારામુલ્લામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ અથડામણમાં ચૌકસ સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને તેમને ઠાર કર્યા હતા. આ અથડામણ ઉત્તરી કાશ્મીર જિલ્લામાં પટ્ટન ક્ષેત્રના ચક ટપ્પર ક્રિરી વિસ્તાર સહિત બે સ્થળોએ થઈ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો ઘટનાસ્થળ પર છે અને અથડામણ જારી છે.

સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે રાતે ઘેરાબંધી કરવામાં આવી હતી અને સવારે ગોળીબારમાં આતંકવાદી ઠાર કરવામાં આવ્યા હતા. આતંકવાદીની ઓળખ અને એના જૂથની ઓળખ કરવામાં આવી રહી છે. સેનાએ અને જમ્મુ-કાશ્મીર પોલીસે 13-14 સપ્ટેમ્બરની રાત્રે બારામુલાના ચક ટાપર ક્રેરી વિસ્તારમાં એક સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પહેલાં કઠુઆના ખંડારામાં પણ સેનાનું ઓપરેશન થયું હતું. અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાએ X પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યાં છે.

11 સપ્ટેમ્બરે ઉધમપુરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સેનાએ કહ્યું કે સેનાના ફર્સ્ટ પેરા સૈનિકોને ઉધમપુરના ખંડરા ટોપના જંગલોમાં 2-3 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. લગભગ ચાર કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.

જમ્મુ-કાશ્મીરની 90 વિધાનસભા બેઠકો પર કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કાનું મતદાન પહેલી ઓક્ટોબરે થશે. પરિણામ 8 ઓક્ટોબરે આવશે. જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. છેલ્લે 2014માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.