સનાતન ધર્મ મુદ્દે SCએ ઉદયનિધિ સ્ટાલિનને લગાવી ફટકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સનાતન ધર્મ પર ટિપ્પણીને લઈને તામિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું હતું કે તે ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનો દુરુપયોગ કર્યા પછી અરજી લઈને ટોચની કોર્ટની પાસે કેમ આવ્યા? જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે સ્ટાલિનને કહ્યું હતું કે તેઓ એક મંત્રી છે અને તેમને ટિપ્પણીના પરિણમો માલૂમ હોવાં જોઈએ.

ખંડપીઠે કહ્યું હતું કે તમે બંધારણના આર્ટિકલ 19 (1) હેઠળ અધિકારનો દુરુપયોગ કર્યો છે. તમે આર્ટિકલ 25 હેઠળ અધિકારનો દુરુપયોગ કર્યો છે. શું તમે આર્ટિકલ 32 (સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવા) હેઠળ તમારા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? શું તમે તમારી ટિપ્પણીનાં પરિણામો નથી જાણતા? તમે સામાન્ય વ્યક્તિ નથી, તમે એક મંત્રી છો. તમને માલૂમ હોવું જોઈએ આ પ્રકારની ટિપ્પણીનાં શાં પરિણામો આવશે?

સ્ટાલિન તરફથી હાજર થયેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે તેઓ નોંધાયેલા કેસોની મેરિટ પર ટિપ્પણી નથી કરી રહ્યા, પરંતુ એની અસર FIR ક્લબ કરવાની માગ પર ના પડવી જોઈએ. સિંધવીએ કોર્ટના જૂના આદેશોનો હવાલો આપ્યો અને કહ્યું હતું કે ગુનાઇત મામલાઓમાં ક્ષેત્રાધિકાર નક્કી હોવા જોઈએ.તેમણે કહ્યું હતું કે બેંગલુરુ, ઉત્તર પ્રદેશ, બિહાર અને જમ્મુમાં કેસ નોંધાયેલા છે. કોર્ટે આ મામલે સુનાવણી 15 માર્ચ સુધી સ્થગિત કરી દીધી હતી.

સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોરોના વાઇરસ, મલેરિયા અને ડેંગ્યુથી કરતાં કહ્યું હતું કે આવી બાબતોનો વિરોધ નહીં કરવો જોઈએ, બલકે એનો વિનાશ કરી દેવો જોઈએ.