શીખ-વિરોધી રમખાણો અંગે વાંધાજનક કમેન્ટ બદલ સામ પિત્રોડાએ માફી માગી

નવી દિલ્હી – 1984માં દેશભરમાં થયેલા શીખ-વિરોધી રમખાણોના સંબંધમાં કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા ઉહાપોહને લીધે કોંગ્રેસના સિનિયર નેતા સામ પિત્રોડાએ માફી માગી છે.

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના વડા પિત્રોડાએ શીખ-વિરોધી રમખાણો અંગે એમ કહ્યું હતું કે ‘હુઆ તો હુઆ.’

માફી માગતા એમણે કહ્યું છે કે એમનું હિન્દી ખરાબ છે એટલે બોલવામાં ભૂલ થઈ ગઈ. ‘હું ‘જો હુઆ વો બુરા હુઆ’ એમ કહેવા માગતો હતો. બુરા હુઆ શબ્દોનો હું મગજમાં અનુવાદ કરી ન શક્યો. મારા નિવેદનને મારી-મચડીને રજૂ કરવામાં આવ્યું હતું.’

પિત્રોડાએ કહ્યું કે મને અફસોસ છે કે મારી ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. હું માફી માગું છું. આ કિસ્સાને વધારે પડતો ચગાવાયો છે.

પિત્રોડાને માફી માગવાનો આદેશ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ આપ્યો હતો.

રાહુલે ફેસબુક પર લખેલી એક પોસ્ટમાં પિત્રોડાને કહ્યું હતું કે એમની કમેન્ટ સંપૂર્ણપણે ખોટી છે અને આ જરાય પ્રશંસાને લાયક નથી.

રાહુલે ભારપૂર્વક કહ્યું હતું કે પિત્રોડાએ એમની આ કમેન્ટ બદલ માફી માગવી જ પડશે.

પિત્રોડાએ માફી માગી એ પહેલાં કોંગ્રેસ પાર્ટીએ પણ પોતાના તરફથી એક પત્ર જાહેર કરીને સ્પષ્ટતા કરી હતી.

રાહુલે વધુમાં લખ્યું છે કે, મારું માનવું છે કે 1984ની ઘટનાઓ બિનજરૂરી યાતના હતી જેનાથી પારાવાર પીડા થઈ છે. ન્યાય થવો જોઈએ, જે લોકો 1984ના રમખાણોના અપરાધી છે એમને સજા થવી જ જોઈએ. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને મારા માતા સોનિયા ગાંધીએ પણ એ ઘટનાઓ બદલ માફી માગી છે. અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. 1984માં ભયાનક ઘટના બની હતી અને એવા રમખાણોનું ક્યારેય પુનરાવર્તન થવું ન જોઈએ. સામ પિત્રોડાએ જે કંઈ કહ્યું છે એ સંપૂર્ણપણે અનુચિત છે અને એની પ્રશંસા થઈ ન શકે. હું એમને સીધું જ કહું છું કે તમે તમારા નિવેદન બદલ માફી માગી લો.

કોંગ્રેસે એ પત્રમાં જણાવ્યું છે કે પિત્રોડાની કમેન્ટ એમનો અંગત અભિપ્રાય છે. પાર્ટીના નેતાઓએ નિવેદન કરતી વખતે સાવધાન અને સંવેદનશીલ રહે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આપણા સમાજમાં હિંસા અને રમખાણો અસ્વીકાર્ય છે. 1984ના રમખાણો અને 2002ના ગુજરાતના રમખાણો સહિત હિંસાની તમામ ઘટનાઓમાં ન્યાય અને સજા માટે પ્રયાસનું અમે સમર્થન કરીએ છીએ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક નેતાઓ અને શીખ સંસ્થાઓએ પિત્રોડાની ઝાટકણી કાઢ્યા બાદ પિત્રોડાને માફી માગવાની ફરજ પડી છે.

મોદીએ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંની ચૂંટણી સભાઓમાં કહ્યું હતું કે પિત્રોડાએ ‘હુઆ તો હુઆ’ જે ત્રણ શબ્દો વાપર્યા એ બતાવે છે કે કોંગ્રેસમાં કેટલી ઉદ્ધતાઈ છે.