સલમાનને ધમકીમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ નથીઃ દિલ્હીપોલીસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સત્તાવાર સૂત્રો તરફથી જણાવાયું છે કે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાનને તાજેતરમાં મળેલા એક ધમકીભર્યા પત્રના મામલે દિલ્હી પોલીસે તિહાર જેલમાં પૂરવામાં આવેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી છે અને આ પ્રકરણમાં પોતે કોઈ પણ રીતે સંડોવાયેલો નથી એવું તેણે કહ્યું છે.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ બિશ્નોઈની પૂછપરછ કરી હતી, કારણ કે અમુક વર્ષો પહેલાં બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. રાજસ્થાનમાં ચર્ચાસ્પદ બનેલા કાળિયાર હરણ શિકાર કેસમાં સલમાન ખાનની કથિત સંડોવણીને કારણે એની હત્યા કરવાની બિશ્નોઈએ ધમકી આપી હતી. સલીમ ખાનને ગયા રવિવારે મુંબઈના બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં પ્રોમિનેડ ખાતે મોર્નિંગ વોક કરતી વખતે ધમકીભર્યો પત્ર મળ્યો હતો. તેઓ દરરોજ જે બેન્ચ પર બેસીને વિશ્રામ કરતા હોય છે તેની પર એ દિવસે કોઈ અજાણ્યા શખ્સે તે પત્ર મૂક્યો હતો. એ પત્ર સલીમ ખાન અને એમના પુત્ર સલમાન ખાનને ઉદ્દેશીને લખાયો હતો. એમાં લખ્યું હતું, ‘મૂસેવાલા જેવા હાલ થશે.’ સલીમ ખાને તરત જ એ વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસે પણ તરત જ એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની તાજેતરમાં પંજાબમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એ પ્રકરણમાં લોરેન્સ બિશ્નોઈ સંડોવાયો હોવાનું મનાય છે. પોલીસે તેને એ સંબંધમાં તિહાર જેલમાં પૂર્યો છે.