જયપુર: રાજસ્થાન સરકારના ડેપ્યુટી સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું ટેન્શન વધારી દીધું છે. પાયલટે લોકડાઉનથી લઈને વાઈરસ પ્રભાવિત નિયંત્રણનું મોડલ બનેલા ભીલવાડા અને આ વિકટ સ્થિતિમાં રાજનીતિ પર ખુલીને પોતાની વાત રાખી છે. એક તરફ ગેહલોતે ઈકોનોમીની દ્રષ્ટીએ લોકડાઉન અંગે વિચારણા કરવાની વાત કહી છે ત્યારે પાયલટે આવા કોઈપણ નિર્ણય અંગે વિચારવાને ઉતાવળીયું પગલું ગણાવ્યું છે.
વાયુવેગે ફેલાય રહેલા કોરોના વાઈરસથી જ્યાં સામાન્ય લોકોના ધબકારા વધી ગયા છે ત્યારે મુખ્યમંત્રી ગેહલોતે 460 કેવીએસએસ અને જીએસએસને ખેડૂતો માટે ખોલવાનો નિર્ણય લીધો છે.
પાયલટે તેમના એક ઈન્ટરવ્યુને સોશિયલ મીડિયા પર શેર કર્યું છે જેમાં તેમણે કહ્યું કે, કેટલાક જિલ્લામાં કોરોના નથી પહોંચ્યા પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે, ત્યાં લોકડાઉન ખોલી દેવામાં આવે અથવા કોઈ લાપરવાહી રાખવામાં આવે. આ સ્થિતિમાં રાજસ્થાન સરકારને અને સીએમ ગેહલોતને પોતાના આ નિર્ણયને લઈને ટેન્શન થવું સ્વાભાવિક છે.
રાજસ્થાનમાં કોરોનાના સંક્રમણમાં અચાનક તેજી આવી છે. આ સ્થિતિમાં પાયલટનું કહેવું છે કે, આપણે લોકડાઉનને ખતમ કરવા અંગે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. અંતિમ નિર્ણય માટે 14 એપ્રિલ સુધી રાહ જોવી જોઈએ. આપણે એ ન ભૂલવું જોઈએ કે, દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે એટલે કે આપણે કોઈપણ રીતે સેફ ઝોનમાં નથી.
પાયલટે કહ્યું કે, જો વાઈરસનું સંક્રમણ ચોથા સ્ટેજમાં પહોંચશે તો ભારત જેવા દેશ માટે વર્તમાન આરોગ્ય સાધન સુવિધાઓના આધાર પર જરૂરીયાતોને પૂર્ણ કરવી લગભગ અસંભવ બની જશે. આપણે અમેરિકા અને યુરોપના અન્ય દેશોના અનુભવમાંથી શીખવું જોઈએ.
કેન્દ્ર સરકાર પાસે મદદ પર પાયલટે કહ્યું કે, આ સમયે દરેક રાજ્યને આર્થિક મદદની જરૂર છે. કેન્દ્ર સરકારે આના માટે જાહેરાત કરી દીધી છે, પણ જે રાજ્ય કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે અને તેને સ્પેશિયલ આર્થિક પેકેજની જરૂર છે.
કોરોના ટેસ્ટિંગ પર કેરળ પછી રાજસ્થાન બીજા નંબર પર હોવા છતાં પણ પાયલટે રેન્ડમ સેમ્પલિંગ અને ટેસ્ટિંગ પર ભાર આપ્યો છે. સીએમ ગેહલોતના સ્વાઈન ફ્લૂના દોરમાં તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના દાવાની વિરુદ્ધ પાયલટે ચીન પાસેથી કિટ ઈમ્પોર્ટ કરવા અને રેન્ડમ ટેસ્ટ પર ભાર આપવાની વાત કહી છે.