ભારતમાં અટવાયેલા બ્રિટીશ નાગરિકોને રેસ્ક્યુ કરાશે

નવી દિલ્હીઃ કોરોના વાઇરસ રોગચાળાને લીધે દુનિયાઆખી ત્રસ્ત છે. કોરોનાનો ચેપ વધુ ફેલાય નહીં એટલા માટે અનેક દેશોએ લોકડાઉન જાહેર કર્યાં છે. ભારતે પણ 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે. હવે દેશમાં અચાનક કરવામાં આવેલા લોકડાઉનને પગલે હજ્જારો વિદેશી નાગરિકો આપણા દેશમાં મુસીબતમાં મુકાઈ ગયા છે. આ લોકડાઉનમાં 3000થી પણ વધુ બ્રિટિશ ટુરિસ્ટો ભારતમાં ફસાઈ ગયા છે. જેમને પાછા વતન લાવવા માટે યુકેએ ભારતથી વધારાની ચાર્ટર ફ્લાઇટની સુવિધા શરૂ કરાવી છે.જેથી બ્રિટિશ એરલાઇન્સે આ ટુરિસ્ટોને ઘેર પહોંચાડવા માટે 12 વધારાની ચાર્ટર ફ્લાઇટ્સ માટે આજથી બુકિંગ શરૂ કર્યાં છે.

બ્રિટિશ ટુરિસ્ટો (8-12 એપ્રિલ) દરમ્યાન ગોવા, મુબઈ અને નવી દિલ્હીથી ફ્લાઇટ પકડી શકે છે. અત્યાર સુધીમાં 5000 બ્રિટિશ નાગરિકો 19 ફ્લાઇટોથી વતન પરત ફરી ચૂક્યા છે.

યુકેના દક્ષિણ એશિયા ખાતેના અને કોમનવેલ્થના પ્રધાન, વિમ્બલ્ડનના લોર્ડ (તારિક) અહમદે કહ્યું હતું કે  “ભારતમાં હજ્જારો બ્રિટિશ પ્રવાસીઓને ઘરે પહોંચાડવા માટે અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ. આ એક બહુ મોટું ઓપરેશન છે જેમાં ભારત સરકાર પણ અમને મદદ કરી રહી છે. અમે ભારતમાં ફસાયેલા અમારા પ્રવાસીઓને વતન પાછા લાવવા માટે તમામ વ્યવસ્થા કરી રહ્યા છે અને આના ભાગરૂપે આવતા વીક-એન્ડમાં 1,400 ટુરિસ્ટો 12 ફ્લાઇટ્સ દ્વારા બ્રિટનમાં લાવવામાં આવશે.

આવી કપરી લોકડાઉનની પરિસ્થિતિમાં બ્રિટિશ પ્રવાસીઓને જેમ બને એમ લંડન લાવવા અમારી પ્રાથમિકતા છે અને આમાં મોદી સરકાર અમને પૂરતો ટેકો કરી રહી છે.

ભારતથી લંડન આવવા માટે આગામી બે સપ્તાહની ફ્લાઇટનો કાર્યક્રમ નીચે મુજબ છે.

  • Amritsar – UK: 13, 17, 19 April
  • Ahmedabad – UK: 13, 15 April
  • Goa – UK: 14, 16 April
  • Goa (via Mumbai) – UK: 18 April
  • Thiruvananthapuram (via Kochi) – UK: 15 April
  • Hyderabad (via Ahmedabad) – UK: 17 April
  • Kolkata (via Delhi) – UK: 19 April
  • Chennai (via Bengaluru) – UK:  20 April

ભારતે આ પ્રવાસીઓને પાછા મોકલવામાં પ્રાથમિકતા આપતાં બનતી તમામ સહાય આપવાની ખાતરી આપી છે. આથી દેશમાં હજ્જારો બ્રિટિશ ટુરિસ્ટો ફસાઈ ગયા છે અને તેઓ પાછા ફરવા માગતા હોય તેમને લંડન પહોંચાડવા માટે ફ્લાઇટોની વ્યવસ્થા કરવામાં આવી છે. યુકે સરકાર પણ બ્રિટિશ એરલાઇન સાથે વાટાઘાટ કરીને બ્રિટિશ પ્રવાસીઓને મદદ કરવા અને વતન લાવવા માટે પ્રયાસ કરી રહી છે. જેના ભાગરૂપે વિદેશ સચિવ ડોમિનિક રાબે 75 મિલિયન પાઉન્ડના ખર્ચે અનેક દેશોમાંથી ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.

જે બ્રિટિશ પ્રવાસીઓએ આ ફ્લાઇટની ટિકિટ મેળવવી હોય તેમણે તેમની વિગતવાર માહિતી બ્રિટિશ હાઇ કમિશનનો સંપર્ક કરવાનો રહેશે અને  ઇન્ડિયા ટ્રાવેલ પેજ પરથી મેળવી શકશે.

ભારતમાં હાલ અવરજવર ખૂબ જ નિયંત્રિત છે, ત્યારે જેમની સીટ કન્ફર્મ થઈ હોય તેમનો બ્રિટિશ હાઇ કમિશન તેમનો સામેથી સંપર્ક કરશે અને તેમના માટેની બધી વ્યવસ્થા કરશે.