નવી દિલ્હીઃ દેશમાં રાજકીય પક્ષો દ્વારા લોકસભા ચૂંટણી-2024 માટે ચૂંટણીપ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દેશભરમાં સાત તબક્કા માટે નવી ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં અત્યાર સુધી 75 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ ગેરકાયદે પૈસા જપ્ત કર્યા છે.
સામાન્ય ચૂંટણીમાં નાણાંના જોરે ચૂંટણી લડવા પર નકેલ કસવા માટે ચૂંટણી પંચે મોટી ઝુંબેશ ચલાવી રાખી છે. પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પહેલી માર્ચ 2024એ અત્યાર સુધી પ્રતિ દિન રૂ. 100 કરોડ જપ્ત કરવામાં આવ્યા છે. પંચનું કહેવું છે કે મતદાન શરૂ થયાં પહેલાં રૂ. 4650 કરોડ જપ્ત કરવામાં આવી ચૂક્યા છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં જપ્ત કરવામાં આવેલા પૈસા કરતાં આ રકમ વધુ છે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે ચૂંટણીમાં નાણાંના પ્રયોગને અટકાવવા માટે કાર્યવાહી આકરી કરવામાં આવશે અને વગર અટકે જપ્તી જારી રહેશે. પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ એજન્સીઓએ 18મી લોકસભા ચૂંટણીમાં મતદાનથી પહેલાં રૂ. 4650 કરોડની જપ્તી કરી છે, જે 2019ની તુલનામાં એ રકમ રૂ. 3475 કરોડ વધુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ચૂંટણીમાં રૂ. 395.39 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ સિવાય રૂ. 489.31 કરોડની દારૂ, રૂ. 2068.85 કરોડની ડ્રગ્સ, રૂ. 562.10 કરોડનાં સોના-ચાંદી, અને રૂ. 1142.49 કરોડની મફત ઓફરવાળી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણીમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા રાખવા માટે ચૂંટણી પંચ દેશમાં અલગ-અલગ એજન્સીઓની મદદ લઈ રહ્યું છે.