બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક મહિલાને ‘ડિજિટલ એરેસ્ટને નામે ડરાવ્યા-ધમકાવીને લગભગ 32 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. પીડિતાએ પોલીસમાં ફરિયાદ દાખલ કરતાં કેસ નોંધાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ છેતરપિંડી 15 સપ્ટેમ્બર 2024થી શરૂ થઈ અને ઘણા મહિના સુધી ચાલી. ઠગોએ CBI, સાયબર ક્રાઈમ અને RBIનું નામ લઈને મહિલાને ડિજિટલ રીતે અટકાયત કરી અને ઘરમાં જ કેદ રાખી હતી.
પોલીસ ફરિયાદ મુજબ 15 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યે મહિલાને ફોન આવ્યો. કોલ કરનાર પોતે DHL કંપનીનો કર્મચારી હોવાનું કહી રહ્યો હતો.
CBIનો ડર બતાવાયો
ફોન કરનારાએ કહ્યું હતું કે તમે મુંબઈના અંધેરી DHL સેન્ટરથી એક પેકેજ બુક કર્યું છે. પેકેજમાંથી ત્રણ ક્રેડિટ કાર્ડ, ચાર પાસપોર્ટ અને ડ્રગ્સ (MDMA) મળ્યાં છે. મહિલાએ જવાબ આપ્યો હતો કે હું તો ક્યારેય મુંબઈ ગઈ જ નથી, હું બેંગલુરુમાં જ રહું છું. એના પર ઠગે કહ્યું હતું કે આ સાયબર ક્રાઈમ છે. તમારું નામ, સરનામું અને નંબરનો ખોટો ઉપયોગ થયો છે.
ત્યાર બાદ તેણે કોલને બીજી વ્યક્તિને ટ્રાન્સફર કર્યો, જે પોતે CBI અધિકારી હોવાનું કહી રહ્યો હતો.
તે વ્યક્તિએ મહિલાને ધમકાવીને કહ્યું હતું કે તમારી સામે પુરાવા છે. તમે જ જવાબદાર છો. તમે લોકલ પોલીસ કે વકીલને કહ્યું તો જાનને ખતરો છે. ગુનેગારો તમારા ઘર પર દેખરેખ રાખી રહ્યા છે. પરિવારને કઈ વાત કહેશો તો તેમને પણ ફસાવી દેવામાં આવશે. ઠગોએ મહિલાને સ્કાઇપ એપ ડાઉનલોડ કરાવી. એક વ્યક્તિ મોહિત હાંડા નામે જોડાયો અને કહ્યું હતું કે કેમેરા ચાલુ રાખો, તમે ઘરમાં નજરકેદ છો.
2.4 કરોડનો ટેક્સ અને કુલ 32 કરોડની છેતરપિંડી
મહિલાને કહ્યું હતું કે તમારી તમામ સંપત્તિની યાદી આપો. બેંક ખાતાઓ પરથી તમારું નામ દૂર કરવા 90 ટકા રકમ જમા કરાવવી પડશે. 24 સપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર વચ્ચે મહિલાએ પોતાની સંપત્તિની તમામ માહિતી આપી.
ત્યાર બાદ રૂ. 2.4 કરોડનો ટેક્સ માગવામાં આવ્યો, જે 18 નવેમ્બર 2024 સુધી ભરાવી લેવામાં આવ્યો. આ રીતે કુલ 32 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હતી.


