તો ભારત-પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે ‘કેમિકલ વોર’

નવી દિલ્હી- એક ખાનગી સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના પ્રમુખ લેફ્ટનેન્ટ જનરલ નાવેદ મુખ્તાર અને પાકિસ્તાની સેનાના પ્રતિનિધિએ ગત મહિને આતંકવાદીઓ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોનું માનીએ તો આ મુલાકાતમાં ભારત સાથે જૈવિક યુદ્ધ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ખાનગી સૂત્રો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, 9 ઓક્ટોબરે પાકિસ્તાનના કબજાવાળા કશ્મીરમાં (PoK) બાગ જિલ્લામાં આ મુલાકાત કરવામાં આવી હતી. નાવેદ મુખ્તાર સાથે મુલાકાત કરનારાઓમાં હિજબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓનો સમાવેશ થતો હતો.

ખાનગી ટીવી ચેનલે જણાવ્યું છે કે, આ બેઠકમાં નાવેદ મુખ્તાર ઉપરાંત ISIના અન્ય ત્રણ અધિકારીઓ બ્રિગેડિયર હાફીઝ અહેમદ, લેફ્ટનેન્ટ કર્નલ જાવેદ અહેમદ અને મેજર ઝફર અલીનો સમાવેશ થતો હતો. આ બેઠકમાં પાકિસ્તાની સેના તરફથી કેપ્ટન મન્સૂર અલીએ ભાગ લીધો હતો. આ બેઠકમાં હિજબુલનો આતંકી જુડ્ડાખાન અને જૈશ-એ-મોહમ્મદનો આતંકી જાવેદ અખ્તર પણ હાજર રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ બેઠકમાં ISI પ્રમુખે ભારત સાથે રાસાયણિક યુદ્ધ માટે ચીનમાં તાલિમ લીધેલા પાકિસ્તાની ઓફિસર્સને ભારત-પાક. સરહદે તહેનાત કરવાની શક્યતાઓ પર ચર્ચા કરી હતી. આ અંગે સમાચાર ચેનલે દાવો કર્યો છે કે, 20 પાકિસ્તાની અધિકારીઓ ચીનમાં રાસાયણિક યુદ્ધની તાલીમ લઈ રહ્યા છે. જેથી ભવિષ્યમાં તેમનો ઉપયોગ ભારત સામે કરી શકાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]