મુંબઈ: રિલાયન્સ જિયોએ પોતાનાં ઓનલાઇન શોપિંગ પોર્ટલનું ટેસ્ટિંગ શરુ કરી દીધું છે. જિયોમાર્ટમાંથી લોકો કરિયાણાની ચીજવસ્તુઓના ઓર્ડર કરી શકે એટલા માટે રિલાયન્સે વોટ્સએપ સાથે ભાગીદારી કરી છે. ભારતમાં વોટ્સએપનો ઉપયોગ કરનારા 40 કરોડ લોકોને જિયોમાર્ટનું એક્સેસ મળશે. ફેસબુક અને જિયોમાર્ટની ભાગીદારીથી આશા છે કે નાના વેપારીઓ વોટ્સએપ થકી સીધા ગ્રાહકો સાથે જોડાઈ શકશે. આગામી દિવસોમાં ઘણાં રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે.
રિલાયન્સ રિટેલ ઈ વેન્ચર જિયોમાર્ટનું ટેસ્ટિંગ મુંબઈની આસપાસ 3 સ્થળોએ શરુ કર્યું છે. ગ્રાહકોએ જિયોમાર્ટમાંથી ગ્રોસરીની ખરીદી કરવા માટે પોતાના મોબાઈલમાં વોટ્સએપ નંબર 88500 08000 સેવ કરવો પડશે. મેસેજ સેવ કર્યા પછી એ નંબર પર Hi કરીને મોકલવાનું રહેશે. ત્યારબાદ જિયોમાર્ટ ઓર્ડર પ્લેસ કરવા માટે એક લિંક ઉપલબ્ધ કરાવશે. એક વખત ઓર્ડર પ્લેસ થયા બાદ વોટ્સએપ પર એક ગ્રોસરી સ્ટોર સાથે ઓર્ડર શેર કરવામાં આવશે. ત્યારબાદ ગ્રાહકોને ઓર્ડર અને સ્ટોરની માહિતી તેના નંબર પર આપવામાં આવશે.
આ માહિતી JioMartLiteની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. કંપનીએ આશરે 1200 કિરાણા સ્ટોર્સ સાથે કામ શરુ કરી દીધું છે. કંપનીએ આને દેશની નવી દુકાન ગણાવી છે અને એવું પણ જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ હેઠળ કંપની લાખો કિરાણા સ્ટોર્સને તેમના પ્લેટફોર્મ પર સામેલ કરશે. હાલ આ સેવા નવી મુંબઈ, થાણે અને કલ્યાણમાં શરૂ કરવામાં આવી છે.