નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદા સામેના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને જો સરકાર આમંત્રણ આપે તો વાટાઘાટ ફરી શરૂ કરવા માટે તૈયાર છે, એમ ભારતીય કિસાન યૂનિયન (બીકેયૂ)ના પ્રમુખ રાકેશ ટિકૈતે કહ્યું છે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ખેડૂતોની માગણી યથાવત્ છે. સરકારે ખેડૂતોની સંયુક્ત સંસ્થા સંયુક્ત કિસાન મોરચાને વાટાઘાટ કરવાનું આમંત્રણ આપવું જોઈએ.
સરકાર અને આંદોલનકારી ખેડૂતો વચ્ચેની વાટાઘાટ ગઈ 22 જાન્યુઆરીથી સ્થગિત થઈ ગઈ છે. ખેડૂતો 2020ના નવેમ્બર મહિનાથી દિલ્હીના સીમાંત વિસ્તારો – સિંઘુ, ટિકરી અને ગાઝીપુરમાં અનિશ્ચિત ધરણા-આંદોલન કરી રહ્યાં છે. તેમાં અનેક મહિલાઓ પણ સામેલ છે.