મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાન્દ્રા (પૂર્વ) સ્થિત અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર આજે બપોરે હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરનાર મહારાષ્ટ્રના અમરાવતીનાં અપક્ષ સંસદસભ્ય નવનીત રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય (બડનેરા, અમરાવતી જિલ્લો) પતિ રવિ રાણાની આજે સાંજે પોલીસે ધરપકડ કરી છે. પોલીસો રાણા દંપતીને ખાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા. પતિ-પત્નીને આજની રાત પોલીસ સ્ટેશનમાં વીતાવવી પડે એવી સંભાવના છે. રાણા દંપતીની જાહેરાતને પગલે આજે સવારથી જ ‘માતોશ્રી’ની બહાર શિવસૈનિકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને કહ્યું હતું કે રાણા દંપતી જો ત્યાં હનુમાન ચાલીસા ગાવા આવશે તો તેઓ એમને બરાબરનો પાઠ ભણાવશે. આને કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી.
મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વલસે-પાટીલે કહ્યું કે, ‘રાણા દંપતી રાજ્ય સરકારને બદનામ કરવા અને વાતાવરણ બગાડવા ઈચ્છે છે. માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા ગાવાની શું જરૂર છે? એ તેઓ એમનાં ઘરમાં પણ ગાઈ શકે છે. તેઓ આવું કોઈકની ચડામણીથી કરી રહ્યાં છે.’ પોલીસે રાણા દંપતીને હનુમાન ચાલીસાનું પઠન કરવાના એમનાં પ્લાનમાં આગળ ન વધવાની નોટિસ આપી હતી. પોલીસે કહ્યું હતું કે એમના નિર્ણયને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે. વળી, આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈ આવવાના છે. એમને આવતીકાલે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવનાર છે. તેથી તે કાર્યક્રમની પૂર્વસંધ્યાએ મુંબઈમાં કોઈ અજુગતો બનાવ ટાળવા માટે હનુમાન ચાલીસા ન ગાવાની રાણા દંપતીને વિનંતી કરવામાં આવી હતી.