‘ચિત્રલેખા’ને ૭૨મા સ્થાપનાદિન ઉજવણી નિમિત્તે મહાનુભાવોનાં અભિનંદન

મુંબઈઃ ૨૨ એપ્રિલના શુક્રવારે ‘ચિત્રલેખા’ના ૭૨મા જન્મદિન નિમિત્તે કોટક પરિવાર તથા ‘ચિત્રલેખા’ પર અભિનંદનનો વરસાદ વરસ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ મૌલિક કોટક અને મનન કોટકને આપેલા અભિનંદન સંદેશમાં લખ્યું છે કે, ‘ચિત્રલેખા’ સંસ્થા માટે આપણે સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ. તમારું આ સામર્થ્ય જળવાઈ રહે અને ‘ચિત્રલેખા’ એની સફરના ૧૦૦ વર્ષ પૂરા કરે એવી શુભકામના.’

પીઢ અભિનેતા પરેશ રાવલે એમના અભિનંદન સંદેશમાં લખ્યું છે કે, ‘ચિત્રલેખા’ને તેની આ ગૌરવશાળી યાત્રા બદલ અભિનંદન. ગુજરાતી તરીકે હું ગર્વ અનુભવું છું.’

નિર્માતા-દિગ્દર્શક અભિષેક જૈને એમના અભિનંદન સંદેશમાં લખ્યું છે કે, ‘ચિત્રલેખા મેગેઝિન કાયમ વિશ્વસનીય રજૂઆતનું સ્રોત રહ્યું છે અને અમારા જેવા ફિલ્મનિર્માતાઓ માટે તે કાયમ ઉત્સાહપ્રેરક રહ્યું છે. આભાર.’

જાણીતાં સ્પોર્ટ્સ તંત્રી હરિની રાણાએ એમનાં અભિનંદન સંદેશમાં લખ્યું છે કે, ‘દરેક ગુજરાતીને ગર્વની લાગણી કરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા ‘ચિત્રલેખા’ને અભિનંદન. ૭૦ વર્ષોથી અમને સૌને આટલા સક્ષમ બનાવવા બદલ આભાર. આ વારસો ચાલતો જ રહે એવી શુભેચ્છા. આશા રાખીએ, સાથે મળીને ‘ચિત્રલેખા’ની સદીની ઉજવણી કરીશું.’