નવી દિલ્હીઃ કોલકાતા રેપ કાંડને લઈને દેશઆખામાં આક્રોશ જારી છે. રસ્તા પર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરતાં કહ્યું હતું કે આ માત્ર કોલકાતામાં હત્યાનો કેસ નથી, પણ આ મુદ્દો દેશના ડોક્ટરોની સુરક્ષાનો છે.
કોર્ટે કહ્યું હતું કે પીડિતાની ગરિમાની સાથે ખેલ થયો છે. મૃતદેહ પણ મોડો સોંપવામાં આવ્યો હતો. કોર્ટે સવાલ કર્યો હતો કે આ કેસમાં FIR પણ કેમ મોડી નોંધવામાં આવી? આ ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે અહીં છીએ. CJIએ પશ્ચિમ બંગાળ સરકાર અને હોસ્પિટલ વહીવટી તંત્રને આકરી ફટકાર લગાવી હતી. તેમણે કહ્યું હતું કે આ રાષ્ટ્રહિતનો મામલો છે. તેમણે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને બીજી કોલેજમાં શિફ્ટ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણ કરી હતી કે રાજ્ય સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ હતી.
કોર્ટ બંગાળ પોલીસના પગલાંથી પણ ખાસ્સી નારાજ છે. કોર્ટે ભાર દઈને કહ્યું હતું કે જ્યારે હોસ્પિટલમાં તોડફોડ થઈ રહી હતી, ત્યારે પોલીસ શું કરી હતી? આ ગંભીર ઘટના છે, જેને નજરઅંદાજ ના કરી શકાય. કોર્ટે સુનાવણી દરમ્યાન એક નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવાના નિર્દેશ આપ્યા હતા. કોર્ટ ખુદ એ ફોર્સની નિગરાની કરશે. મહિલા સુરક્ષા પર કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
કોર્ટે સુનાવણી દરમ્યાન મૃતકની ઓળખ ઉજાગર થવા પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે પીડિતાના ફોટો અને નામ સોશિયલ મિડિયા પર પ્રસારિત થવાથી બહુ ચિંતિત છીએ આ કેસ દેશમાં સિસ્ટેમેટિક ફેલ્યોરની છે.