સિંધુદુર્ગઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સિંધુદુર્ગ જિલ્લાના માલવણ તાલુકાના તારકર્લી બીચ ખાતે ભારતીય નૌકાદળ દ્વારા ‘નેવી ડે-2023’ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયા હતા. પોતાના સંબોધનમાં એમણે જાહેરાત કરી હતી કે, ‘હવેથી ભારતીય નૌકાદળમાં અધિકારીઓને રેન્ક ભારતીય સંસ્કૃતિ અનુસાર આપવામાં આવશે. આપણા સંરક્ષણ દળોમાં મહિલા શક્તિમાં વધારો કરવા પણ અમે વિચારી રહ્યા છીએ. નૌસેના જહાજ પર દેશની પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરને નિયુક્ત કરવા બદલ હું નૌકાદળને અભિનંદન આપું છું.’
ભારતીય નૌકાદળ દર વર્ષની 4 ડિસેમ્બરે ‘નેવી ડે’ ઉજવે છે. 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે આ જ તારીખે ભારતીય નૌકાદળે ‘ઓપરેશન ટ્રાઈડેન્ટ’ હાથ ધર્યું હતું અને કરાચી બંદર પર જોરદાર હુમલો કર્યો હતો. તે હુમલાને પગલે પાકિસ્તાન ભારતને શરણે આવી ગયું હતું.
વડા પ્રધાને તે પૂર્વે તાલુકાના ‘રાજકોટ કિલ્લા’ ખાતે જઈને છત્રપતિ શિવાજી મહારાજની 28 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. શિવાજી મહારાજે જ પશ્ચિમી મહારાષ્ટ્રમાં અનેક સમુદ્રકાંઠા અને દરિયાઈ કિલ્લા બંધાવ્યા હતા, જેમાંનો એક છે, સિંધુદુર્ગ કિલ્લો.
બંને કાર્યક્રમમાં વડા પ્રધાનની સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, બે નાયબ મુખ્ય પ્રધાનો – દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.