શ્રીનગરઃ બોલિવુડ અભિનેતા રણબીર કપૂરના કશ્મીરી હમશકલ જુનૈદ શાહનું હૃદયરોગના હુમલાને કારણે ગુરુવારે રાતે મોત થયું છે. તે 28 વર્ષનો હતો. શ્રીનગરમાં પોતાના ઘરમાં જુનૈદનું અવસાન થયું હતું. અદ્દલોઅદલ રણબીર કપૂર જેવો દેખાતો જુનૈદ શાહ રાતોરાત પ્રસિદ્ધ થઈ ગયો હતો. જુનૈદ શાહ મોડેલિંગ કરતો હતો અને એના સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ એની તસવીરો અને વિડિયોથી ભરપૂર થઈ ગયા છે. એ પોતે રણબીર કપૂરનો બહુ મોટો ચાહક પણ હતો.
જુનૈદને ગુરુવાર રાતે 10.30 વાગ્યાની આસપાસ હૃદયરોગનો પ્રચંડ હુમલો આવ્યો હતો. એને તરત જ શહેરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના અથાગ પ્રયાસો છતાં તેઓ એને બચાવી શક્યા નહોતા.
પ્રાપ્ત અહેવાલ મુજબ જનૈદ શાહ હાલમાં જ તેના બીમાર પિતા નિસાર અહમદ શાહની સારસંભાળ લેવા માટે મુંબઈથી શ્રીનગર પરત ફર્યો હતો. જાણીતા કાશ્મીરના પત્રકાર યુસુફ જમીલે પણ જુનૈદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું કે અમારા જૂના પડોસી નિસાર અહમદ શાહના પુત્ર જુનૈદનું રાત્રે હ્દય બંધ થવાને કારણે નિધન થયું છે. લોકોનું કહેવું છે કે તે બોલિવડ અભિનેતા રણબીર કપૂરનો હમશકલ હતો.
દિગ્ગજ અભિનેતા સ્વ. રિશી કપૂરે ક્યારેક જુનૈદ અને રણબીરના વિશે લખ્યું હતું કે OMG. મારા પુત્રનો હમશકલ (ડબલ) છે. પ્રોમિસ નથી કરી શકતો, પણ એ ગુડ ડબલ.
જુનૈદના અંગત મિત્ર @meeraqibsalfiએ દુખદ ન્યૂઝ સોશિયલ મિડિયા પર શેર કર્યા હતા. તેણે લખ્યું હતું કે તેં મને વચન આપ્યું હતું કે હજી ઘણી બધી બાબતો છે, જેને આપણે શોધવાની જરૂર છે. આટલું જલદી તું અમને કેવી રીતે છોડીને જઈ શકે? … હું દુખી છું અને આઘાતની લાગણી અનુભવું છું. મને હજી વિશ્વાસ નથી થતો તે તું આ દુનિયામાં નથી. જીવન આટલું કેમ નિષ્ઠુર છે? હું અલ્લાહને દુઆ કરીશ કે ફરીથી એ જન્નતમાં આપણો મેળાપ કરાવે. મારી જિંદગીનો આ સૌથી દુઃખદ દિવસ છે.
જુનૈદ શાહે દિલ્હી પબ્લિક સ્કૂલમાં શિક્ષણ લીધું હતું અને બાદમાં IIPMમાં આગળનું શિક્ષણ પણ પૂરું કર્યું હતું.