અયોધ્યા: રામ મંદિર નિર્માણને લઈને શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક આજે મળી રહી છે. અયોધ્યા સર્કિટ હાઉસમાં યોજાનારી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં રામમંદિરના શિલાન્યાસની તારીખ નક્કી કરવા ઉપરાંત મંદિરના સ્વરૂપ અને નિર્માણ કાર્ય શરૂ કરવા અંગેના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમજ નિર્ણય પણ લેવાઈ શકે છે.
રામ મંદિરના ભૂમિપૂજન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષના સત્તાવાર પ્રવક્તા મહંત કમલ નયન દાસે શુક્રવારે જણાવ્યું કે, ‘ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસે વડાપ્રધાનને એક પત્ર લખીને શિલાન્યાસ વિધિ પર રામ મંદિરના ભૂમિ પૂજનના અવસર પર નિમંત્રણ આપ્યું છે.’ જો કે આ કાર્યક્રમમાં વડાપ્રધાનની ઉપસ્થિતિને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ. સૂત્રોના મતે રામ મંદિર નિર્માણનું કાર્ય આગામી મહિનાથી શરૂ થવાની સંભાવના છે.
આજે મળનારી બેઠકમાં મંદિરની ડિઝાઈનને લઈને પણ અંતિમ નિર્ણય લેવાઇ શકે છે. મહત્વનું છે કે, ત્રણ દાયકા પહેલા રામજન્મભૂમિ ન્યાસ તરફથી રજૂ કરવામાં આવેલી મંદિરની ડિઝાઈનને અનુરૂપ જ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણ કરવાની તૈયારીમાં છે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ મુખ્ય સચિવ અને મંદિર ટ્રસ્ટ નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રએ ગુરુવારે અયોધ્યાની મુલાકાત લીધી હતી. તેમની સાથે બીએસએફના પૂર્વ મહાનિર્દેશક અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના સુરક્ષા સલાહાકાર કે કે શર્મા પણ હતા. ગુરુવારે જ મિશ્રએ સર્કિટ હાઉસમાં ટ્રસ્ટના સભ્યો સાથે લગભગ બે કલાક બેઠક યોજી હતી.