રાજનાથ સિંહે પાકિસ્તાન-ચીનને ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે હૈદરાબાદ ડન્ડીગલમાં એરફોર્સ અકેડમીમાં સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારત આતંકવાદીઓની સામે દેશની અંદર નહીં સીમા પાર જઈને જવાબ આપે છે. ભારતીય એર ફોર્સે બાલાકોટમાં અસરકારક કાર્યવાહી કરતાં અનેક આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો. તેમણે 1971માં લોંગેવાલની લડાઈથી માંડીને બાલાકોટના હવાઈ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.

પાકિસ્તાન પ્રોકસી વોર લડી રહ્યું છે

સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે પશ્ચિમી ક્ષેત્રમાં પાકિસ્તાન સરહદે વારંવાર ઉંબાડિયા કરતું રહે છે. પાકિસ્તાન એક નહીં, પણ ચાર યુદ્ધોમાં માત ખાધા પછી પણ આંતકવાદ દ્વારા પ્રોક્સી વોર લડી રહ્યું છે.

ચીનને પણ જડબાતોડ જવાબ

સંરક્ષણપ્રધાને કહ્યું હતું કે ઉત્તરી ક્ષેત્રમાં ભારત-ચીનની વચ્ચે ટકરાવ બધાને માલૂમ છે.  કોરોના સંકટના સમયમાં પણ ચીનનું વલણ એની નિયત પ્રદર્શિત કરે છે. ભારત નબળો દેશ નથી. બેંને દેશો વચ્ચે સૈન્ય અને કૂટનીતિ દ્વારા વાતચીત જારી છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારત શાંતિ ઇચ્છે છે – ના કે સંઘર્ષ. તેમણે પાકિસ્તાન અને ચીનને ચેતવણી આપતાં કહ્યું હતું કે શાંતિનો અર્થ એ નથી કે દેશના સ્વાભિમાન પર કોઈ પણ હુમલો અમે સહન કરીશું. અમે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા સંપૂર્ણ રીતે સક્ષમ છીએ. જે સંગઠનનો તમે હિસ્સો છો, એનો એક ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે.