નવી દિલ્હીઃ સુપરસ્ટાર રજનીકાંતે પોતાના ભવિષ્યના રાજકારણને લઇ પત્તા ખોલી નાંખ્યા છે. રજનીકાંતે કહ્યું છેકે તેઓ એક એવી પાર્ટી બનાવા જઇ રહ્યા છે જેમાં સરકાર અને પાર્ટી અલગ-અલગ કામ કરશે. રજનીકાંતના પ્લાન પ્રમાણે તેઓ પોતે પાર્ટીના નેતા હશે અને પોતે મુખ્યમંત્રી બનશે નહીં. રજનીકાંતે એમ પણ કહ્યું કે તેમની પાર્ટીનો નિયમ એ છે કે જે પણ નેતા પાર્ટીનું નેતૃત્વ કરશે તેઓ કયારેય સરકારનો હિસ્સો બનશે નહીં.
રજનીકાંતે કહ્યું કે તેઓ છેલ્લાં ઘણા સમયથી તામિલનાડુનું રાજકારણ જોઇ રહ્યા છે. તેમણે ડીએમકે અને એઆઇએડીએમકેનો ઉલ્લેખ કરીને કહ્યું કે લોકો બદલાવ માંગે છે. રજનીકાંતે કહ્યું કે તેઓ પોતાની પાર્ટીમાં યુવાનો અને ભણેલા-ગણેલા લોકોને તક આપી તામિલનાડુમાં નવી લીડરશીપ તૈયાર કરવા માંગે છે. તેના માટે તેમણે એ નિર્ણય લીધો છે કે તેઓ પોતે સીએમ કેન્ડિડેટ બનશે નહીં.
રજનીકાંતના ડ્યુઅલ પ્લાનના મતે પાર્ટીમાં બે સેક્શન હશે. એક સેકશન પાર્ટીને જોશે અને બીજું સરકારના કામકાજને જોશે. રજનીકાંતના મતે અમે એ નક્કી કર્યું છે કે પાર્ટી સરકાર પર હાવી થશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભણેલા-ગણેલા અને સારા ટ્રેક રેકોર્ડવાળા લોકોને પોતાની પાર્ટીમાં ચૂંટણી લડવાની તક આપશે.
થલૈવાના નામથી પ્રખ્યાત રજનીકાંતે કહ્યું કે અમે અમારી મીટિંગમાં નક્કી કર્યું છે કે જે પાર્ટીના નેતા હશે તેઓ સરકારમાં સામેલ થશે નહીં. જે મુખ્યમંત્રી બનશે તે પાર્ટીના મુખ્યિયા હશે નહીં. હું પાર્ટીનો નેતા રહીશ અને કોઇ બીજો વ્યક્તિ સીએમ ઉમેદવાર હશે. તે વ્યક્તિ રાજ્યમાંથી હશે, ભણેલો હશે અને તેમાં રાજ્યને લઇ એક વિઝન હશે.
રજનીકાંતે આગળ કહ્યું કે પાર્ટી ખુદ જ અમારી જે સરકારને પ્રશ્ન પૂછશે, કંઇપણ ખોટું થશે તો અમારી પાર્ટી ખુદ જ તેની વિરૂદ્ધ કાર્યવાહી કરશે. અમે સમાંતર સરકાર ચલાવીશું નહીં. અમારી પાસે સીમિત સંખ્યામાં લોકો છે. અમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીશું. તામિલનાડુના લોકો માટે અમે જે પ્લાન તૈયાર કર્યો છે તેને લઇ અમે લોકોની વચ્ચે જઇશું. અમે આ અંગે નેતાઓ, પત્રકારો અને અધિકારીઓ સાથે પણ વાત કરી ચૂકયા છીએ પરંતુ કોઇપણ આ પ્લાન પર રાજી નથી. પરંતુ અમે અમારા આ પ્લાન પર આગળ વધીશું.