સિંધિયાના ભાજપમાં જવાથી હવે મધ્યપ્રદેશના રાજનૈતિક સંકટમાં શું થશે?

ભોપાલઃ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના કદ્દાવર નેતા રહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ગઈકાલે ભાજપમાં જોડાઈ ગયા છે. સિંધિયા ભાજપમાં આવવાથી હવે 22 જેટલા ધારાસભ્યોના રાજીનામા બાદ મધ્યપ્રદેશની કમલનાથ સરકારના અસ્તિત્વ પર સંકટ આવી ગયું છે. કોંગ્રેસના તમામ પ્રયત્નો હવે બાગી ધારાસભ્યોને મનાવવા માટેના છે. તો આવો જાણીએ કે મધ્યપ્રદેશના રાજનૈતિક સંકટમાં હવે આગળ શું-શું થઈ શકે છે.

મધ્યપ્રદેશના સિંધિયા સમર્થક 22 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે. હવે વારો વિધાનસભા અધ્યક્ષ એનપી પ્રજાપતિનો છે કે જેઓ કોંગ્રેસના નેતા છે. નિયમો અનુસાર જો કોઈ સભ્યએ રાજીનામું આપ્યું છે તો તેનાથી વિધાનસભા અધ્યક્ષ સંતુષ્ટ હોવા જરુરી છે. તો તેઓ સંતુષ્ટ છે તો રાજીનામું સ્વીકારી શકે છે. જો સ્પીકરને લાગે છે કે દબાણ કરીને ધારાસભ્યોનું રાજીનામું અપાવવામાં આવ્યું છે તો તેઓ સભ્યો સાથે વાત કરી શકે છે. સાથે જ એ સભ્યને પોતાના સમક્ષ ઉપસ્થિત થવા માટે કહી શકે છે. સ્પીકર સંતુષ્ટ હોય ત્યારે જ રાજીનામાને પછીની કાર્યવાહી માટે આગળ વધારી શકાય છે. કર્ણાટકમાં સ્પીકર આવું કરી ચૂક્યા છે. વર્તમાન સ્થિતિને જોતા એવું સહેજ પણ લાગતું નથી કે સ્પીકર એટલી સરળતાથી રાજીનામાનો સ્વિકાર કરશે.

સંવિધાનના નિયમો અનુસાર વિધાનસભા અધ્યક્ષ રાજીનામા આપનારા સભ્યોને પૂર્ણ કાર્યકાળ માટે અયોગ્ય જાહેર નથી કરી શકતા. આ પહેલા કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષે રાજીનામું આપનારા બાગી ધારાસભ્યોને હંમેશા માટે અયોગ્ય જાહેર કર્યા હતા. આ આખો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે ધારાસભ્યોની અયોગ્યતાને યોગ્ય નહોતી માની પરંતુ તેમને ચૂંટણી લડવાની મંજૂરી આપી હતી.

મધ્યપ્રદેશની વર્તમાન સ્થિતિમાં રાજ્યપાલની કોઈ સીધી ભૂમિકા નથી. જો કે 16 માર્ચથી મધ્યપ્રદેશમાં બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર આ વખતે સરકારનું ભવિષ્ય નક્કી કરી શકે છે. આમાં કમલનાથ સરકારના બહુમતનું પરીક્ષણ થઈ શકે છે. જો સરકાર બજેટ પાસ કરાવવામાં નિષ્ફળ જાય છે તો સરકારનું પડવું નિશ્ચિત થઈ જશે. રાજ્યપાલ લાલજી ટંડને કહ્યું છે કે હું આ આખા ઘટનાક્રમ પર નજર રાખીને બેઠો છું.

જો મધ્યપ્રદેશ વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા 230 માંથી અડધાથી વધારે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું તો પછી વારો રાજ્યપાલનો આવશે. આ રાજ્યપાલના વિવેક પર નિર્ભર કરશે કે તેઓ સદનને ભંગ કરીને વચગાળાની ચૂંટણીની ભલામણ કરે કે પછી ખાલી સીટો પર બાય ઈલેક્શનની. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ બાય ઈલેક્શન પર ભાર આપશે.