રેલવે શ્રમિકો, મજૂરો માટે ‘વિશેષ’ ટ્રેનો દોડાવશે

નવી દિલ્હીઃ તહેવારો દરમ્યાન અને ઉનાળુ વેકેશનમાં મધ્યમથી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ ડબ્બાઓ ગીચોગીચ ભરાયેલા હોય છે. જેથી સામાન્ય યાત્રીઓની હાલાકી ઓછી કરવા માટે રેલવે બોર્ડ દેશભરના શ્રમિકો, મજૂરો જેવી ઓછી આવકવાળા ગ્રુપોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એસી વગરની, સામાન્ય શ્રેણીની ટ્રેનો શરૂ કરવા માટે વિચારવિમર્શ કરી રહ્યું છે. તહેવારો અથવા ઉનાળુ વેકેશનમાં નીચલી આવક ધરાવતા વર્ગ માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવે છે, પરંતુ એ પણ અપૂરતી થઈ પડે છે, જેથી તેમની સુવિધા માટે રેલવે વધુ ટ્રેનો દોડાવશે, એમ રેલવેના અધિકારીઓએ કહ્યું હતું.

આ ડેવલપમેન્ટ એક અભ્યાસ પછી આવ્યું છે, જેમાં એવાં રાજ્યોની ઓળખ કરવામાં આવી છે, જ્યાં મોટી સંખ્યામાં નીચી આવક ધરાવતા યાત્રીઓએ કન્ફર્મ ટિકિટ મેળવવા માટે રાહ જોવી પડે છે અથવા જનરલ કોચમાં યાત્રા કરવી પડે છે, જેમાં ખૂબ ગિરદી હોય છે, એમ અધિકારીએ કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર નવી ટ્રેનો જાન્યુઆરી, 2024થી ચાલવાની શક્યતા છે અને એ ટ્રેનો એસી વગરના કોચ હશે. આ ટ્રેનોમાં માત્ર સ્લીપર અને જનરલ શ્રેણીના ડબ્બા હોવાની સંભાવના છે. આ પહેલાં કોરોના ચોગચાળામાં રેલવેએ શ્રમિકો માટે પ્રવાસી વિશેષ ટ્રેનો ચલાવી હતી.

બોર્ડના મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ, ગુજરાત, દિલ્હી, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં નવી વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે આ રાજ્યોમાંથી મોટા ભાગે કુશળ, અકુશળ કામદારો, મજૂરો, કારીગરો અને અન્ય લોકો કામ માટે મહાનગરોમાં અને મોટાં શહેરોમાં આવ-જા કરે છે. આ ટ્રેનોને નિયમિત રીતે દોડાવવામાં આવશે.