નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનો આજે 50મો જન્મ દિવસ છે. રાહુલનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. રાહુલ ગાંધી સોનિયા અને રાજીવ ગાંધીના બે સંતાનોમાં મોટા છે. તેમના નાના બહેન પ્રિયંકા ગાંધી-વાડ્રા ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પોતાનું એક અલગ સ્થાન બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે. નહેરુ-ગાંધી પરિવારમાં જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વડાપ્રધાનના પદ પર આરૂઢ થઈ ચૂક્યા છે. સ્વર્ગસ્થ ઈન્દિરા ગાંધીના પૌત્ર રાહુલ ગાંધીનું રાજકીય જીવન ચડાવ-ઉતારવાળું રહ્યું છે. પહેલીવાર 2004માં અમેઠીથી લોકસભા ચૂંટણી જીતીને તેમણે સંસદમાં પ્રવેશ કર્યો હતો. તેમણે અમેઠી લોકસભા ક્ષેત્રમાં 2009 અને 2014ના વર્ષમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. વર્ષ 2007માં તેમને અખિલ ભારતીય કોંગ્રેસ કમીટીના મહાસચિવ તરીકે પસંદ કરવામાં આવ્યા. તે ઉપરાંત યુવાનોને પાર્ટી સાથે જોડવા માટે તેમણે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી બતી.
વર્ષ 2013માં રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. તેમને કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં અને 11 ડિસેમ્બર 2017ના રોજ કોંગ્રેસ પાર્ટીના તેમને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધી માટે એક આંચકાસમાન સાબિત થઈ હતી. તેમણે પોતાની પારંપારિક સીટ અમેઠી ખોવાનો વારો આવ્યો હતો. ભાજપનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેઠી સીટ પર જીત મેળવી હતી. ભલે રાહુલ ગાંધીને અમેઠી સીટ પર પરાજયનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે પોતાની પ્રતિષ્ઠા કેરળના વાયનાડની બેઠક જીતીને બચાવી લીધી હતી.
લોકોએ તેમને મોટા માર્જિનથી જીતાડીને સંસદમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ પક્ષના પ્રમુખપદે એમણે રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસની હારની જવાબદારી એમણે પોતાના શિરે લઈ લીધી હતી. જો કે, લોકસભા ચૂંટણીમાં તેમણે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાફેલ વિમાન સોદાને લઈને ભ્રષ્ટાચારનો મુદ્દો જોર શોરથી ઉછાળ્યો હતો. પોતાની તમામ સભાઓમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા અને ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, જનતાએ લોકસભાની ચૂંટણીમાં ફરીથી ભાજપને જ દેશની ગાદી સોંપી હતી.
ગાંધી પરિવારના વારસદારના જન્મદિવસને ખૂબ ધામધૂમથી મનાવવાની પરંપરા રહી છે. કાર્યકર્તાઓ કેક કાપી અને ઢોલ નગારા સાથે પોતાના નેતાાના જન્મદિવસની ઉજવણી કરે છે. પરંતુ કોરોના વાઈરસને કારણે હાલ દેશભરમાં ફેલાયેલી કટોકટી અને ચીન સાથેની સરહદ પરની હિંસક અથડામણમાં ભારતના 20 સૈનિકોની શહીદીના શોકમાં રાહુલ ગાંધીએ પોતાનો આ વખતનો જન્મદિવસ ન ઉજવવાનું નક્કી કર્યું છે.