મંત્રણા બાદ ચીનના લશ્કરે ભારતના 10 સૈનિકોને છોડી મૂક્યા

નવી દિલ્હીઃ ચીનના લશ્કરી અધિકારીઓ સાથે ત્રણ દિવસ સુધી કરવામાં આવેલી મંત્રણા બાદ ચીનના લશ્કર પીપલ્સ લિબરેશનન આર્મી (PLA)એ ભારતના ચાર અધિકારી સહિત 10 લશ્કરી જવાનોને છોડી મૂક્યા છે.

કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના પૂર્વ ભાગમાં આવેલા ગલવાન ખીણવિસ્તારમાં ગયા સોમવારે બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થયા બાદ લશ્કરી અધિકારીઓ વચ્ચે વાટાઘાટ કરવામાં આવી હતી.

10 જવાનો ગુરુવારે સાંજે 5.30 વાગ્યે ગલવાન વેલીમાં ‘પેટ્રોલ પોઈન્ટ 14’ સ્થાન ખાતે પાછા ફર્યા હતા.

‘જ્યાં સુધી અમારા સૈનિકોને સુરક્ષિત રીતે પાછા મોકલવામાં નહીં આવે ત્યાં સુધી સરહદ પર તંગદિલી દૂર કરવાની પ્રક્રિયામાં કોઈ પ્રગતિ થઈ નહીં શકે’ એવું ભારતીય લશ્કરી ટૂકડીના વડા મેજર જનરલ અભિજીત બાપટે ચીની લશ્કરી સત્તાધિશોને સ્પષ્ટ કર્યા બાદ ભારતીય સૈનિકોની મુક્તિ થઈ છે.

એવા અહેવાલો છે કે ગયા સોમવારની હિંસક અથડામણ બાદ ચીને ભારતના અનેક સૈનિકોને પકડી લીધા હતા. કહેવાય છે કે હજી 76 ભારતીય સૈનિકો ચીનની હોસ્પિટલમાં છે. એમાંના 58 સૈનિકોને નજીવી ઈજા થઈ છે અને તેઓ એક અઠવાડિયાની અંદર ભારત પાછા ફરે એવી ધારણા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]