સુશાંત આત્મહત્યા મામલે ગર્લફ્રેન્ડ રિયાની પોલીસે કરી મેરેથોન પૂછપરછ

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પાછળના કારણો વિશે મુંબઇ પોલીસ સતત તપાસ કરી રહી છે. ગુરુવારે પોલીસે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિને પૂછપરછ માટે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં બોલાવી હતી. પોલીસે સવારે 11 વાગ્યાથી લઈને રાતના 10 વાગ્યા સુધી રિયાની પૂછપરછ કરી હતી. રિયા છેક રાતે 10 વાગ્યે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાંથી બહાર આવતી જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 11 કલાક ચાલેલી મેરેથોન પૂછપરછમાં પોલીસે રિયા ચક્રવર્તીને સુશાંત સાથેના પોતાના સંબંધો, તેના મિત્રો સાથેની તેની મિત્રતા, ડિપ્રેશન અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સુશાંતના સંબંધો વિશે અનેક સવાલો પૂછાયા હતાં. કહેવાય છે કે થોડા જ દિવસો પહેલાં રિયા ચક્રવર્તી અને સુશાંતનું બ્રેક અપ થયું હતું જેને કારણે અભિનેતા ઘણો પરેશાન હતો. પોલીસ સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ રિયાએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું.

આ ઉપરાંત સુશાંતની બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી અને તેમની પબ્લિક રિલેશન અધિકારી અંકિતા નિહલાનીની પણ પોલીસે પૂછપરછ કરી છે. આ પહેલા પોલીસે બોલીવુડના કાસ્ટિંગ ડાયરેક્ટર અને સુશાંતની છેલ્લી ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડાની પણ લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે હજુ 5 પ્રોડક્શન હાઉસીસ અને પ્રોડ્યૂસર્સની પણ પોલીસ પૂછપરછ કરશે.

સુશાંત સિંહ આત્મહત્યા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 13 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જોકે, પોલીસ તપાસમાં હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, શું  ખરેખર સુશાંતે ફિલ્મોમાં કામ નહીં મળવાને કારણે આત્મહત્યા કરી હતી? નોંધનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં સુશાંતે 1 કરોડથી વધુની રકમ નાગાલેન્ડ સરકાર રિલીફ ફંડમાં ડોનેટ કરી હતી.