રાહુલ ગાંધી 2024માં વડા પ્રધાન બનશેઃ સિદ્ધારમૈયા

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી ચૂંટણીના ડેટા મુજબ કોંગ્રેસે 16 સીટો પર જીત હાંસલ કરી છે અને 119 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપે આઠ સીટો પર જીત હાંસલ કરી છે અને 57 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે જેડીએસે એક સીટ હાંસલ કરી અને 19 સીટો પર આગળ ચાલી રહી છે. કર્ણાટક ચૂંટણીના વલણોમાં બહુમત મળ્યા પછી પાર્ટીના કાર્યકરો ઉજવણી કરી રહી છે. આ દરમ્યાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે મને આશા છે કે રાહુલ ગાંધી 2024માં દેશના વડા પ્રધાન બનશે.

તેમણે પત્રકારોને વાતચીતમાં કહ્યું હતું કે આ ચૂંટણીનું પરિણામ લોકસભા ચૂંટણીની એક સીડી છે. મને આશા છે કે બધા બિનભાજપ પક્ષો એકસાથે આવશે. મને આશા છે કે રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બની શકે છે. કોંગ્રેસ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે. અમે કેમ્પેનમાં કહ્યું હતું કે કોંગ્રેસને આશરે 130 સીટો મળશે. આ એક મોટી જીત છે. કર્ણાટકમાં લોકો પરિવર્તન ઇચ્છતા હતા. તેઓ ભાજપથી તંગ આવી ચૂક્યા હતા.

તેમણે એ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના ટોચના નેતાઓના ચૂંટણી પ્રવાસનો રાજ્યના મતદારો પર કોઈ અસર નથી પડી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડાના પ્રવાસોની કર્ણાટકના મતદાતાઓ પર કોઈ અસર નહીં પડી.