અનોખી ઉજવણી : વિશ્વ માતૃદિવસની પૂર્વ સંધ્યાએ સાણંદની વિધવા માતાઓનું પૂજન કરી સોનાની ચૂની આપી સન્માન કરાયું

વિશ્વ માતૃદિવસની પૂર્વ સંધ્યાએ સાણંદની જાણીતી સમાજસેવી સંસ્થા માનવસેવા ટ્રસ્ટ દ્વારા સમાજના સંકુચિત રીત-રિવાજો સામે બંડ પોકારતો એક સુંદર કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાણંદની 35 જેટલી વિધવા અને નિરાધાર બહેનોને બોલાવીને તમામ બહેનોનું ગુલાબના હાર પહેરાવી પૂજન કરી સોનાની ચૂની અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ વિશ્વ માતૃદિવસે માતૃવંદનાના ભાગરૂપે માનવસેવા અને ઝવેરાત જ્વેલર્સના સંયુક્ત ઉપક્રમે વિધવા માતાઓને સન્માનવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

માતાઓને એક ચૂની અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં સાણંદ તાલુકાની 35 વિધવા માતાઓને નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને ઝવેરાત જ્વેલર્સ દ્વારા તમામ માતાઓને એક ચૂની અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ અંગે માનવસેવા ટ્રસ્ટ સાણંદના મનુભાઈ બારોટે જણાવ્યું હતું કે અમે વિશ્વ માતૃદિવસની ઊજવણી પ્રસંગે સામાજિક ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણાં સમાજમાં વિધવા સ્ત્રીઓ માટે અનેક અપમાનજનક રિવાજો છે. વિધવા પુરુષો માટે કોઈ કાયદા કે રિવાજો નથી. સમાજમાં ગરીબ વિધવા સ્ત્રીઓ માટે બધા આગળ આવે અને તેમને મદદરૂપ થાય એ માટે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

હરિદ્વાર જેવા પવિત્ર સ્થળોના પ્રવાસનું આયોજન

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમારી સંસ્થા દ્વારા માતૃવંદનાના ભાગરૂપે નિયમિત રીતે વિધવા માતાઓને વિમાનની મુસાફરી કરાવીને હરિદ્વાર જેવા પવિત્ર સ્થળોના પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત નિસહાય માતાઓને નિયમિત રીતે ભોજન અને કપડાં મળી રહે તેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ પ્રસંગે સાણંદ મેડિકલ એસોસિએશન પ્રેસિડેંટ ડૉ.જી.કે. ચૌહાણ, ઝવેરાત જ્વેલર્સના ઓર્નર કમલેશભાઈ શાહ, ઇન્દુબા વાઘેલા,પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત, પંકજસિંહ વાઘેલા જેવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.