અનોખી પહેલ : 100થી વધુ શાળાઓના બાળકોએ માતાને સ્વહસ્તે પત્ર લખી ઉજવ્યો મધર્સ ડે

માતૃશક્તિની વંદના માટે દર વર્ષે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ માતાને સ્વહસ્તે પત્રલેખન કરી મધર્સ ડે ઉજવ્યો. અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ બાળકોને પત્રલેખન માટે પ્રેરિત કરવામાં આવ્યા. મુન્દ્રા, માંડવી અને હજીરાની 100 થી વધુ શાળાઓના 7000થી વધુ વિદ્યાર્થીઓએ માતૃવંદના કરતા કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. છેલ્લા બે વર્ષથી જે. કે. પેપરના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને આ પ્રકારની પ્રેરણા અને સંસ્કાર આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં J. K. પેપર્સ દ્વારા વિતરીત કીટથી લખાયેલા પત્રોમાં બાળકોની અભિવ્યક્તિઓ અભિભાવકોની આંખોમાં આંસુ છલકાવતી હતી. જે.કે.પેપરના શિવાનીજીએ જણાવ્યું હતું કે, અમે બાળકો માતાઓને કેટલો પ્રેમ અને કેટલા વખાણ કરે છે તે બતાવવાની તક ઉભી કરવા માગતા હતા,. હસ્તલેખિત પત્રો એ લાગણી વ્યક્ત કરવાની અર્થપૂર્ણ રીત છે. અમે આશા રાખીએ છીએ કે આવા ઉપક્રમોથી માતા-બાળકો વચ્ચેના સબંધોમાં સંવાદિતા આવશે.

ઉત્થાન સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને જીવનમાં માતાનું મહત્વ સમજાવવા પ્રયત્નશીલ રહે છે. દર મહિને યોજાતી મધર્સ મિટ, બાળકો સાથે પોતાની માતાઓ વિશે વાત કરવી અને તેમની પ્રશંસા કરવી, માતાઓ સાથે બાળક પુસ્તકો વાંચે,  માતાઓ ઓનલાઇન જોડાય અને SMC માં વધુ સક્રિય થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવે છે. ઉત્થાન સહાયકો સતત માતાઓ સાથે જોડાયેલા રહી બાળકોના વિકાસમાં મહત્તમ ઉન્નતિ થાય તેવા કાર્યો કરે છે.

બાળકોના આંતરિક અને માનસિક વિકાસલક્ષી કાર્યો સતત થતા રહે છે તે માટે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કેટલાક વિદ્યાર્થીઓએ તેમની માતાઓ વિશે તેમને સૌથી વધુ ગમતી વસ્તુઓ વિશે લખ્યું, જ્યારે કેટલાકે તેમની માતાઓએ તેમના માટે આપેલા ત્યાગ અને યોગદાન વિશે લખ્યું. તો કેટલાકે હૃદય નીચોવીને માતૃવંદના કરી સૌને અવાક કરી દીધા.

અદાણી ફાઉન્ડેશનનો ઉત્થાન પ્રોજેક્ટ સારા શિક્ષણ થકી સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં માને છે. આ પ્રોજકેટને સફળ બનાવવા માટે શિક્ષકથી લઈને સરકારી અધિકારી સુધી સતત સૌનું માર્ગદર્શન અને સાથ સહકાર સાંપડ્યો છે. સાથો સાથ ગામના સરપંચો, શાળાના આચાર્યો, વાલીઓ, SMCના સભ્યોએ આ પ્રોજેક્ટમાં સિંહફાળો રહ્યો છે.

વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી થાય તે માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ

આગામી સમયમાં ઉત્થાન પ્રોજકેટ વધુને વધુ સરકારી શાળાઓ સુધી પહોચે અને વિદ્યાર્થીઓના વિકાસમાં સહભાગી થાય તે માટે અદાણી ફાઉન્ડેશન સતત પ્રયત્નશીલ રહેશે. અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત 2018 થી મુન્દ્રા તાલુકાની સાત ગામની શાળાથી શરૂ થયેલ સફર આજે 254 પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ચાલી રહી છે.

અદાણી ફાઉન્ડેશન:

અદાણી ફાઉન્ડેશન ગ્રામીણ અને શહેરી સમુદાયોના સમાવેશી અને ટકાઉ વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે છે. 1996 થી ફાઉન્ડેશન શિક્ષણ, આરોગ્ય, ટકાઉ આજીવિકા, કૌશલ્ય વિકાસ અને સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુખ્ય ક્ષેત્રોમાં કાર્યરત છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અને વૈશ્વિક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) પર આધારિત તેની વ્યૂહરચનાઓ સાથે ફાઉન્ડેશન તેના નવીન અભિગમ અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતું છે. હાલમાં તે 19 રાજ્યોમાં 5,675 ગામડાઓમાં કાર્યરત છે, જે 7.6 મિલિયન લોકોને સ્પર્શે છે.