પ્રિયંકા રાષ્ટ્રીય સ્તરે પણ જવાબદારી સંભાળશેઃ રાહુલ ગાંધીની જાહેરાત

નવી દિલ્હી – રાજકારણમાં હાલમાં જ પ્રવેશ કરનાર ગાંધી પરિવારનાં એક વધુ સભ્ય – પ્રિયંકા ગાંધી-વાડ્રા વિશે એમનાં ભાઈ તથા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધીએ મહત્ત્વની જાહેરાત કરી છે. એમણે કહ્યું છે કે પ્રિયંકાની ભૂમિકા માત્ર ઉત્તર પ્રદેશ રાજ્ય પૂરતી સીમિત નહીં રહે, પણ રાષ્ટ્રીય સ્તરે પણ એ જવાબદારી સંભાળશે.

હિન્દુસ્તાન ટાઈમ્સ અખબારને આપેલી મુલાકાતમાં રાહુલે કહ્યું કે, પ્રિયંકાને અમે મહામંત્રીનું પદ આપ્યું છે, એ જ દર્શાવે છે કે એ રાષ્ટ્રીય સ્તરની ભૂમિકા છે. હું કોઈને એક જવાબદારી આપું છું અને પછી એ કામની સફળતાના આધારે એને બીજી જવાબદારી આપું છું.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાને આગામી લોકસભા ચૂંટણી માટે પૂર્વીય ઉત્તર પ્રદેશની બાબતોનો ચાર્જ સોંપ્યો છે.

અયોધ્યામાં રામ મંદિરના બાંધકામ મુદ્દે રાહુલે કહ્યુ છે કે આ મુદ્દો કંઈ ઉત્તર પ્રદેશમાં કોઈ ધરખમ મુદ્દો નથી. હાલ આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે એના વિશે હું કોઈ મંતવ્ય વ્યક્ત કરું એ યોગ્ય ન કહેવાય. પણ હું એટલું જરૂર કહીશ કે સુપ્રીમ કોર્ટ જે નક્કી કરે એનો કોંગ્રેસ તથા દરેક જણે સ્વીકાર કરવો જ પડશે.

રાહુલે એવો દાવો કર્યો છે કે ભાજપની અંદર જ ભાગલા પડ્યા છે. હું નીતિન ગડકરી, સુષમા સ્વરાજ, રાજનાથ સિંહ કે ભાજપની સમગ્ર નેતાગીરી વિશે કહું તો, નરેન્દ્ર મોદીની કામ કરવાની સ્ટાઈલ સામે સંપૂર્ણ વિરોધ જોવા મળે છે તો મને એનાથી જરાય આશ્ચર્ય થતું નથી.

પ્રિયંકાનું સ્વદેશાગમન

દરમિયાન, પ્રિયંકા ગાંધી વિદેશ પ્રવાસેથી ભારત પાછા આવી ગયાં છે. ગઈ કાલે રાતે જ એ એમનાં ભાઈ રાહુલને નવી દિલ્હીમાં તુઘલક રોડ સ્થિત નિવાસસ્થાને મળવા પણ ગયાં હતાં. પ્રિયંકા કોંગ્રેસનાં અન્ય નેતાઓને પણ મળ્યાં હતાં અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વ્યૂહરચના અંગે એમની સાથે ચર્ચા કરી હતી.