UPA સરકારમાં ભારતની ઈકોનોમી અમેરિકાને પડકારી શકતી હતીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકાર પર અર્થવ્યવસ્થા મામલે આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ મોદી સરકારને અર્થવ્યવસ્થા મામલે નિષ્ફળ ગણાવતા કહ્યું કે યૂપીએ શાસન દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અર્થવ્યવસ્થા ખૂબ મજબૂત હતી અને તેની પ્રશંસા આખી દુનિયામાં થતી હતી. મહારાષ્ટ્રમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે યૂપીએ સરકાર અંતર્ગત ભારતીય અર્થવ્યવસ્થા ખૂબ મજબૂત હતી અને ત્યાં સુધી કે અમેરિકી અર્થવ્યવસ્થાને તે પડકારી શકતી હતી. આપણા નાણાંકીય પ્રબંધનની પ્રશઁસા આખી દુનિયામાં થતી હતી. હવે વર્તમાન સરકારમાં અર્થવ્યવસ્થાની સ્થિતી ખરાબ બની ગઈ છે.

ભારે બેરોજગારીને લઈને કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે મેડ ઈન ચાઈના નીતિએ ભારતીય યુવાનોના રોજગારને સમાપ્ત કરી દીધા. વિધાનસભા ચૂંટણી વાળા રાજ્યના પછાત વિસ્તાર મરાઠાવાડામાં પાર્ટીની ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું કે આજે યુવાનો પાસે રોજગાર નથી. દેશે ચાર દશકોમાં આટલી બેરોજગારી ક્યારેય જોઈ નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર મેક ઈન ઈન્ડિયાની વાત કરી રહી છે પરંતુ માત્ર ચીનના ઉદ્યોગ ભારત પર હાવી છે અને આપણા દેશના રોજગારને મારી રહ્યા છે. ચિંતિત યુવાનોને ભવિષ્યથી પણ અપેક્ષા હવે રહી નથી.

વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે શિખર વાર્તાનો ઉલ્લેખ કરતા રાહુલે પ્રશ્ન કર્યો કે બીજા દિવસે જ્યારે તેઓ ચા અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા, ત્યારે શું વડાપ્રધાન મોદીએ ડોકલામમાં અતિક્રમણ મામલે પૂછ્યું કે નહી?

કોંગ્રેસ નેતાએ દેશની આર્થિક સ્થિતી મામલે કહ્યું કે નવેમ્બર 2016 માં નોટબંઘી અને ત્યારબાદ જીએસટીથી દેશની અર્થવ્યવસ્થા સુસ્ત પડી છે. ઓટોમોબાઈલથી ટેક્સટાઈલ સુધી અને હીરાથી લઈને નાના વ્યવસાયો સુધીની ખરાબ સ્થિતી છે. માત્ર મહારાષ્ટ્રમાં 2000 થી વધારે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, તો નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ચોર દેશને લૂંટીને ફરાર થઈ ગયા છે.