અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ તબક્કામાંઃઅયોધ્યામાં કલમ 144 લાગુ

નવી દિલ્હી: રામ જન્મભૂમી અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી 14 ઓક્ટોબરથી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુનાવણી 17 ઓક્ટોબરે પૂર્ણ થઈ શકે છે. તેના આશરે એક મહિના પછી એટલે કે 17-18 નવેમ્બરે ચુકાદો આવી શકે છે. આ મામલાની સંવેદનશીલતા અને તહેવારોને ધ્યાનમાં રાખીને અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે, જે ડિસેમ્બર સુધી લાગુ રહી શકે છે. જિલ્લા અધિકારી અનુજ ઝા દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ, અયોધ્યા-ફૈઝાબાદ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી સંગઠિત, સામુહિક કાર્યક્રમો કે મેળાવડા પર પ્રતિબંધ રહેશે. જોકે, દિવાળીના તહેવારો દરમ્યાન અયોધ્યાનું વિશેષ મહત્વ હોવાથી ત્રણ દિવસ માટે આ નિર્ણયનો અમલ હળવો કરાશે.

મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવને પોતાની દલીલો રાખી છે. હિન્દુ પક્ષ તરફથી સતત સ્કન્ધ પુરાણ અને શ્રદ્ધાના તર્ક પર સવાલો ઊભા થઈ રહ્યા છે. મુસ્લિમ પક્ષે આજે પોતાની દલીલો ખત્મ કરી છે હવે આવતીકાલથી હિન્દુ પક્ષ પોતાનો મત રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે, સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી 5 જજોની પીઠે 6 ઓગસ્ટથી આ મામલે દરરોજ સુનાવણી શરુ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય મધ્યસ્થતા સમિતિ ઉકેલ લાવવામાં અસફળ રહ્યા બાદ લીધો હતો. દશેરાની રજાઓ પછી સુપ્રીમ કોર્ટે કાર્યવાહી ડેડલાઈ નક્કી કરી અને સાથે જ 17 ઓક્ટોબર સુધીમાં કાર્યવાહી પૂર્ણ કરવાની વાત કરી હતી.

મહત્વનું છે કે, વર્ષ 2010માં અલાહાબાદ હાઈકોર્ટે આ મામલે ચૂકાદો આપ્યો હતો. કોર્ટે અયોધ્યામાં 2.77 એકર વિવાદિત જમીનને સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વચ્ચે વહેંચવાનો ચૂકાદો આપ્યો હતો. જોકે, કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]