નવી દિલ્હીઃ વૈશ્વિક મહામારી કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એકવાર ફરીથી સોમવારના રોજ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. કોરોના વાયરસની લડાઈમાં ભારત સારી સ્થિતિમાં છે એવા સરકારના દાવા સામે એમણે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ ટ્વીટ કર્યું છે કે, કોવિડ 19 લડાઈમાં ભારત ગુડ પોઝીશન પર? આટલું જ નહી પરંતુ રાહુલ ગાંધીએ કોરોના વાયરસ કેસો માટે આઈડલ કર્વને દર્શાવનારો એક ગ્રાફ પણ ટ્વીટ કર્યો. આ ગ્રાફ અમેરિકા, ભારત, દક્ષિણ કોરિયા અને ન્યૂઝીલેન્ડમાં સરેરાશ કોરોના વાયરસના સવાલોની સાત-દિવસીય ગણતરીને દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આખી દુનિયા કોવિડ-19 મહામારી વિરુદ્ધ ભારતની સફળ લડાઈના વખાણ કરી રહી છે. ભારત સૌથી વધારે વસ્તીવાળા દેશો પૈકી એક છે. તમામ લોકોએ વિચાર્યું હતું કે, ભારત જેવા દેશ કોવિડ જેવી મહામારી સામે કેવી રીતે લડશે? આવી અનેક આશંકાઓ હતી પરંતુ આજે આખી દુનિયા જોઈ રહી છે કે, કેવી રીતે કોરોના વાયરસ સામે એક મજબૂત લડાઈ ભારત દેશે લડી છે. છેલ્લા 24 કલાકમાં 28,701 નવા કેસો અને 500 લોકોના મોત થયા છે. ભારતમાં સોમવારના રોજ કોવિડ-19 કેસોની સંખ્યા 8,78,254 પર પહોંચી ગઈ છે. તો મૃતકોની સંખ્યા 23,174 પર પહોંચી ગઈ છે.